આંતરધર્મીય લગ્ન કરનારી પુત્રીને સાંકળોથી બાંધી બે મહિના સુધી બંધક બનાવી
પિયરમાં માતા, પિતા, બહેનને મળવા આવી હતી
જાલના પાસેના ગામમાં પોલીસે દરોડો પાડી મહિલા અને તેના ત્રણ વર્ષના પુત્રનો ઘરમાંથી છૂટકારો કરાવ્યા
મુંબઇ - જાલનામાં પુત્રીએ આંતરધર્મીય લગ્ન કરતા નારાજ માતા-પિતાએ તેના પગમાં સાંકળો બાંધીને બે મહિના સુધી ઘરમાં બંધક બનાવીને રાખી હતી. પોલીસે ઘરમાં દરોડો પાડી મહિલા અને તેના ત્રણ વર્ષના પુત્રનો છુટકારો કરાવ્યો હતો.
ભોકરદન નજીક આવેલા આલાપુરના ખાલિદ શહા સિકંદર શાહની પુત્રી શહનાઝ ઉર્ફે સોનલના સાગર ઢગે સાથે આંતરધર્મીય લગ્ન થયા હતા. હાલમાં તેમને ત્રણ વર્ષનો પુત્ર છે.
બે મહિના પહેલા શહનાઝની મોટી બહેને બાળકને જન્મ આપ્યો હતો. આથી શહેનાઝ તેના પુત્ર સાથે માતા, પિતા, બહેનને મળવા ગઇ હતી.
લગ્નથી નારાજ માતા, પિતાએ શહેનાઝને તેના પતિ સાથે પાછા જવાની ના પાડી દીધી હતી. તેને ઘરમાં સાંકળોથી બાંધી રાખી હતી. તેને એકાંતમાં રાખતા હતા.
પતિએ વારંવાર શહનાઝને મળવાનો અને તેને પોતાના ઘરે લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાસરીયાઓએ સાગરને ઘરમાં પ્રવેશવાની ના પાડી હતી. આથી તેણે કોર્ટમાં અરજી કરી હતી.
છેવટે ભોકરદન પોલીસે શહનાઝના માતા, પિતાના ઘરે દરોડો પાડયો હતો. આમ તેમણે શહનાઝ અને તેના પુત્રને બચાવી લીધા હતા.
શહનાઝના બંને પગ એક મોટી સાંકળથી બાંધેલા હતા અને તેને બે તાળા લાગેલા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે હજી સુધી શહનાઝની માતા-પિતા સામે કેસ નોંધવામાં આવ્યો નથી. જો તે ફરિયાદ નોંધાવશે તો જરૃરી પગલા ભરવામાં આવશે.