વસઈના પિતા-પુત્રના આપઘાતનું રહસ્ય યથાવતઃ કોઈ દેવું હોવાનો પુત્રવધૂનો ઈનકાર
- પિતા પુત્રએ ભાયંદર સ્ટેશને જઈ ટ્રેન સામે ઝંપલાવ્યું હતું
- પોલીસ હરીશ મહેતા તથા પુત્ર જય મહેતાના કોલ રેકોર્ડ ,ઈમેઈલ્સ, બેન્ક ખાતાં ફંફોસી રહી છે પરંતુ કોઈ કારણ હાથ લાગ્યું નથી
મુંબઇ : મુંબઈ નજીકના ભાયંદર રેલવે સ્ટેશને વસઈમાં રહેતા પિતા પુત્રએ એકમેકનો હાથ પકડીને ટ્રેન હેઠળ ઝંપલાવી દઈ આપઘાત કર્યાની ઘટનાનું રહસ્ય ત્રણ દિવસ પછી પણ વણઉકેલ્યું રહ્યું છે. શરુઆતમાં એવી આશંકા વ્યક્ત થતી હતી કે શેરબજારમાં નુકસાન બાદ દેવાંના કારણે આ બાપ દીકરાએ આપઘાત કર્યો છે પરંતુ પુત્રવધૂએ પરિવારમાં કોઈ દેવું કે પછી કોઈ આર્થિક કલેશ કે સામાજિક તકરાર પણ હોવાનો ઈનકાર કરી દીધો છે. હવે પોલીસ વિવિધ સ્ત્રોતોમાંથી આપઘાતનાં કારણ અંગે કોઈ કડી મેળવવા પ્રયાસ કરી રહી છે.
વસઈના વસંત નગરી વિસ્તારના રશ્મિ દિવ્યા સોસાયટી ખાતે રહેતા ૩૩ વર્ષીય જય મહેતા તથા તેમના ૬૦ વર્ષીય પિતા હરીશ મહેતાનો આપઘાત કરતો વીડિયો વાયરલ થયો છે. બંને પિતા પુત્ર સોમવારે આશરે ૧૧ વાગ્યાની આસપાસ ભાયંદર સ્ટેશને એકદમ ઠંડા કલેજે શાંતિથી વાતો કરતા કરતા ચાલતા ગયા હતા. પ્લેટફોર્મ નંબર છ પૂર્ણ થયા બાદ તેઓ ટ્રેક પાસે ઉતર્યા હતા અને એકમેકો હાથ પકડી ચર્ચગેટ તરફ જતી ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હતું.
પોલીસને બાદમાં તેમના ઘરેથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં પિતા પુત્રએ અમારાં કૃત્ય માટે અમે ખુદ જવાબદાર છીએ, અન્ય કોઈને દોષિત ગણવા નહીં તે મતલબનું લખાણ લખ્યું છે. જોકે, આત્મહત્યાનું કારણ તેના પરથી સ્પષ્ટ થતું નથી.
હરીશ મહેતા શેરબજારનું કામ કરતા હતા પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. તેમનો પુત્ર જય મહેતા લોઅર પરેલની એક કંપનીમાં નોકરી કરે છે જ્યારે પુત્રવધૂ અંજલી મહેતા અંધેરીમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
આ ઘટનાથી અંજલી ભારે આઘાતમાં છે. પોલીસ શરુઆતમાં તેમનું નિવેદન લઈ શકી ન હતી. બાદમાં અંજલીએ પોલીસને એવું જણાવ્યુ ંહતું કે પોતે વારંવાર પિતા પુત્રને ફોન કર્યા હતા પરંતુ બંનેમાંથી કોઈનો ફોન લાગતો ન હતો. આખરે તેણે પડોશીઓને ફોન ફોન કર્યો હતો પણ તેમણે ઘર બંધ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને પતિ અન ેસસરાના અંતિમ પગલાંની જાણ થઈ હતી.
શેરબજારમાં નુકસા કે દેવાંની અટકળો જ અંજલીએ ફગાવી દીધી છે. અંજલીએ પોલીસને જણાવ્યા અનુસાર પરિવાર પર કોઈ પ્રકારનું દેવું નથી. પરિવારની આર્થિક હાલત જરા પણ ખરાબ નથી. ઘરમાં કોઈ સામાજિક તકરાર પણ નથી.
ઉલ્લેખનીય છે કે હરીશ મહેતાના પત્નીનું અગાઉ અવસાન થયું છે. જય અને અંજલીનાં આંતરજ્ઞાાતીય લગ્ન હજુ એક વર્ષ પહેલં જ થયાં હતાં.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હરીશ મહેતા સોસાયટીના સેક્રેટરી તરીકે પણ કામ કરતા હતા. સમગ્ર સોસાયટીમાં આ બનાવ બાદ સોપો પડી ગયો છે. કોઈ પડોશી કશું બોલવાની સ્થિતિમાં નથી. જોકે, તેઓ પણ એટલું તો કહે જ છે કે પરિવારમાં કોઈ આર્થિક સંકટ હોય તેમ જણાતું ન હતું. ક્યારેય તેમના ઘરમાંથી કોઈ ઝઘડા કે બોલાચાલીના પણ અવાજ પણ સાંભળ્યા નથી.
વસઈ રેલવે પોલીસે આ બનાવ અંગે તપાસ ચાલુ કરી છે. પોલીસે બંને પિતા પુત્રના ઈમેઈલ, બેન્ક ખાતાં તથા મોબાઈલ રેકોર્ડઝ સહિતની બાબતો તપાસવી ચાલુ કરી છે. પરંતુ, તેમાંથી હજુ સુધી આપઘાતનાં કારણ અંગે કોઈ કડી મળી નથી. અંજલી મહેતાને કદાચ પતિ કે સસરાના આર્થિક વ્યવહારો અંગે કોઈ માહિતી ન હોય કે આવા આર્થિક વ્યવહારો કોઈ રેકર્ડ પર ન હોય તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું ચર્ચાય છે.
સોમવારે બંને પર ટ્રેન ફરી વળતાં તેમના મૃતદેહ છિન્નભિન્ન થઈ ગયા હતા. પોલીસે સોમવારે જ પોસ્ટમોર્ટમ કરાવ્યુું હતું. આધારકાર્ડના આધારે તેમની ઓળખ થઈ હતી.