300 કરોડની પ્રોપર્ટી માટે સસરાની સોપારી આપનારી પુત્રવધૂના ભાઈની ધરપકડ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
300 કરોડની  પ્રોપર્ટી માટે સસરાની સોપારી આપનારી પુત્રવધૂના ભાઈની ધરપકડ 1 - image


પ્રશાંત પર્લેવાર એમએસઈએમ વિભાગનો ડાયરેક્ટર છે

સસરાનું કારની અડફેટે મોત નીપજાવી અકસ્માતમાં ખપાવવાના કાવતરાંમાં સરકારી અધિકારી ભાઈએ પણ બહેનને સાથ આપ્યો હતો

મુંબઈ -  નાગપુરમાં ૩૦૦ કરોડ રૃપિયાની પ્રોપર્ટીના વિવાદમાં પુત્રવધુ અર્ચના પુટ્ટેવારે સસરા પુરૃષોત્તમ પુટ્ટેવારની સોપારી આપી, અકસ્માત સર્જી હત્યા કરાવી નાંખી હતી. આ ચર્ચાસ્પદ હત્યા પ્રકરણે હવે નાગપુર પોલીસે અર્ચના પુટ્ટેવારના ભાઈ અને સરકારી ઉચ્ચાધિકારી એવા પ્રશાંત પાર્લેવારની પણ ધરપકડ કરી છે. પ્રશાંત પાર્લેવાર એમએસઈએમ વિભાગના ડાયરેક્ટર છે અને બહેન સાથે આ હત્યાકાંડ ઘડી કાઢવાનું ષડયંત્ર રચનારાઓ પૈકી એક છે. આ મુજબની માહિતી નાગપુરના પોલીસ કમિશનર ડૉ. રવિંદ્રકુમાર સિંગલે એક પત્રકાર પરિષદમાં આપી હતી.

૨૨મેના રોજ બાલાજી નગર તરફજતા એક રોડ પર એક પૂરપાર વેગે પસાર થઈ રહેલ એક કારે વૃદ્ધ પુરુષોત્તમ પુટ્ટેવાર (૮૩)ને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પુરુષોત્તમ પુટ્ટેવારને ગંભીર ઈજાઓ થઈ હતી  અને તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં શરૃઆતમાં પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી હતી. જો કે વધુ તપાસમાં આ અકસ્માત નહીં પણ હત્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. પુરુષોત્તમ પુટ્ટેવારની હત્યાના કાવતરામાં પુત્રવધુ અને સરકારી અધિકારી અર્ચના પુટ્ટેવાર તેના ભાઈ પ્રશાંત પાર્લેવાર (૫૮) અને અર્ચનાની એક સહકારી મહિલા અર્કિટેક્ટ પાયલ નાગેશ્વર મહત્વની ભૂમિકા હોવાનું સ્પષ્ટ થયુ ંહતું.

પુત્રવધુ અર્ચના પુટ્ટેવાર (૫૩)એ તેના ઓળખીતા નિરજ નિમચે, સચિન ધાર્મિક અને સાર્થ બાગડેની મદદથી આ હત્યાકાંડ ઘડી કાઢ્યો હતો. અર્ચના સ્વયં ગઢચિરોલીના ટાઉન પ્લાનિંગ વિભાગની આસીસ્ટન્ટ ડાયરેક્ટર હતી. તેણે સસરાની હત્યા માટે લગભગ એક કરોડ રૃપિયાની સોપારી આપી હતી. પોલીસે ખંડણીની આ રકમમાંથી ત્રણ લાખની રોકડ, ૪૦ ગ્રામની સોનાની ચેન, બંગડી, ૧૦૦ ગ્રામનું એક સોનાનું બિસ્કીટ જેવો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે. પોલીસે આ પ્રકરણે કુલ છ જણની ધરપકડ કરી છે. મૃતક પુરુષોત્તમ પુટ્ટેવારની નાગપુરમાં કરોડો રૃપિયાની મિલકત છે અને સંપત્તિની વહેંચણીને મુદ્દે આ સમગ્ર વિવાદ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. પુરુષોત્તમ પુટ્ટેવાર તેમની તમામ સંપત્તિ અન્ય પુત્રને આપી દેશે એ ભયથી પુત્રવધુ અર્ચના પુટ્ટેવારે સસરાનો કાંટો કાઢી નાંખ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.



Google NewsGoogle News