Get The App

મુંબઇના આકાશમાં જામેલાં કાળાં વાદળો બહુ ભારે વરસાદ નહિ નોતરે

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
મુંબઇના આકાશમાં જામેલાં કાળાં વાદળો બહુ ભારે વરસાદ  નહિ નોતરે 1 - image


હજુ પણ હળવાં ઝાપટાઓનો દોર જ ચાલુ  રહેશે

 આવતા 4 દિવસરાયગઢ, રત્નાગિરિ, સિધુદુર્ગ, પુણે,સાતારા, કોલ્હાપુરમાં શ્રીકાર વરસાદનો વરતારો 

મુંબઇ :    મુંબઇનું ગગન રસતરબોળ નહીં વરસતું હોવાથી મુંબઇગરાં ભારોભાર નારાજ છે. સાથોસાથ બપોરે ભારે બફારો રહેતો હોવાથી અકળામણ પણ અનુભવી રહ્યાં છે. જોકે મુંબઇમાં દરરોજ હળવી વર્ષા થઇ રહી છે.  પરંતુ, હાલ જામેલાં કાળાં ઘટ વાદળો બહુ ભારે વરસાદ નોતરે તેવાં નથી. 

વામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ સહિત નજીકનાં થાણે અને પાલઘરનાં ગગનમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જોવા મળે છે.આકાશમાં આવો મેઘાડંબર  જોઇને મુંબઇગરાંને મુશળધાર વરસાદ વરસવાની આશા હોય તે સ્વાભાવિક છે. જોકે મુંબઇના આકાશમાંના કાળાં ભમ્મર વાદળોમાં બધાં વાદળો કાંઇ વરસાદી વાદળો નથી હોતાં. વળી, વરસાદી વાદળોની ઉંચાઇ પણ બહુ ઓછી હોય. સાથોસાથ વાતાવરણમાંના ભેજની અસર પણ છેક જમીન સુધી પહોંચવી જરૃરી છે.ઉપરાંત, હાલ મુંબઇ પર નૈઋત્યના પવનો પણ તેની પૂરી ગતિ(૪૦ કિલોમીટર)થી અને વાતાવરણના નીચેના પટ્ટામાં નથી ફૂંકાઇ રહ્યા. વળી, હાલ મુંબઇને ઓફ્ફશોર ટ્રફ(વાતાવરણનું દબાણ ઓછું હોવું)ની મદદ નથી મળતી. સારા -સંતોષકારક વરસાદ માટે ઓફ્ફશોર ટ્રફ પરિબળ બહુ જરૃરી  ગણાય.

હાલ મુંબઇના આભમાં વાદળોના જે મોટા મોટા ગોટા  જોવા મળે છે તે વાદળો ખરેખર તો દક્ષિણ કોંકણના અને ગોવાના આકાશમાંનાં સાચુકલાં કાળાંભમ્મર વરસાદી વાદળોની ફક્ત અસર છે.હાલ દક્ષિણ કોંકણનાં રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે.

બીજીબાજુ હવામાન વિભાગે તેના જુલાઇ મહિનાના વરસાદી વરતારામાં એવો સંકેત આપ્યો છે કે ૨૦૨૪ના જુલાઇમાં ભારતના મોટાભાગનાં રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસે તેવાં સાનુકુળ  કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.સાથોસાથ ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં અલ - નીનો પરિબળની અસર લગભગ સાવ જ પૂરી થઇ જાય તેવી પણ શક્યતા છે. આમ ૨૦૨૪ના ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં મહારાષ્ટ્ર સહિત આખા ભારતમાં સામાન્ય કરતાં પણ વધુ એટલે કે ૧૦૦ થી ૧૦૬ ટકા જેટલી શ્રીકાર વર્ષા થાય તેવાં પ્રાકૃતિક પરિબળો પણ સર્જાઇ રહ્યાં છે.

હવામાન વિભાગે આવતા ૨૪ કલાક(૬,જુલાઇ) દરમિયાન થાણેમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે.

આવતા ચાર દિવસ(૬ થી૯ -જુલાઇ) દરમિયાન મુંબઇમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે. 

જ્યારે કોંકણ(રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ)માં અને મધ્ય મહારાષ્ટ્ર(પુણે, સાતારા, કોલ્હાપુર)માં ભારેથી અતિ ભારે વર્ષા થવાનો વરતારો આપ્યો છે. જ્યારે મરાઠવાડામાં અને વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે હળવી વર્ષા થવાનો સંકેત  આપ્યો છે. 

આજે બોરીવલીમાં ૪૬.૨૩ મિલિમીટર, દહિંસર --૫૦.૦૨, કાંદિવલી -૫૬.૬૩, દિંડોશી-૬૬.૦, જૂહુ --૩૩.૪, મલાડ --૩૯.૫, માલવણી -૬૦.૪, મુલુંડ-૨૧.૭, થાણે -૫૪.૦, વડાલા --૧૭.૭૭ મિલિમીટર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે. 

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૭ અને લઘુત્તમ તાપમાન ૨૬.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૧.૯ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૩ --૭૫ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૧ -૭૩ ટકા રહ્યું હતું. 

આજે કોલાબામાં રાતના  ૮--૩૦ સુધીમાં ૩.૪ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૫.૧ મિ.મિ. વર્ષા નોંધાઇ હતી.કોલાબામાં આજ દિવસ સુધીમાં ૫૫૧.૪ મિ.મિ.(૨૨.૦૫૬ ઇંચ), જ્યારે સાંતાક્રૂઝમાં ૪૨૪.૪ મિ.મિ.(૧૬.૯૭ ઇંચ) વરસાદ નોંધાયો છે.



Google NewsGoogle News