ગલ્ફનાં ડસ્ટ સ્ટોર્મની અસરથી મુંબઈમાં ખતરનાક પ્રદૂષણ
ઇસરોના સેટેલાઇટ અને વેધર મોડેલ દ્વારા સચોટ માહિતી મળી
ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના ડસ્ટ સ્ટોર્મ અરબી સમુદ્ર પરથી છેક મુંબઇ સુધી આવી ગયાં, સ્થાનિક પરિબળો ઉમેરાતાં સ્થિતિ વકરી
મુંબઇ : ખાડી દેશોમાં આવેલાં ડસ્ટ સ્ટોર્મની અસર મુંબઈ સુધી પહોંચતાં અને અહીંના સ્થાનિક હવામાન ઉપરાંત બાંધકામ પ્રવૃત્તિમાં થયેલા વધારા સહિતનાં પરિબળો તેમાં ઉમેરાતાં મુંબઈમાં હાલ ખતરનાક પ્રદૂષણનો અનુભવ થઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
હાલ મુંંબઈમાં આ પ્રદૂષણે માઝા મૂકી છે. બાંદ્રા સહિત પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી, મલાડની હવાની ગુણવત્તા સતત ચિંતાજનક રહી છે. આ તમામ પરાંમાં હવાની ગુણવત્તાનો આંક ( એર ક્વોલિટી ઇન્ડેક્સ -- એ.ક્યુ.આઇ--૨૦૦ કરતાં પણ વધુ રહ્યો છે. બાંદ્રાનો એ.ક્યુ.આઇ. તો ૩૦૦ કરતાં પણ વધુ નોંધાયો છે.
મુંબઇના ગગનમાં પ્રદૂષણનાં વાદળાં,હવાની ખરાબ ગુણવત્તા, ધૂંધળા વાતાવરણથી અસંખ્ય મુંબઇગરાં ઉધરસ,કફ, આંખોમાં અને ગળામાં બળતરા,ઉલટી,પેટમાં દુઃખાવો,અપચો, રાત્રે ઉંધ ન આવવી વગેરે સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. ખાસ કરીને બાળકો,વૃદ્ધજનો, અસ્થમાનાં દરદીઓને પરાવાર પરેશાન થઇ રહ્યાં છે.
સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)ના સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ ડાયરેક્ટર અને હાલ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ એડવાન્સ્ડ સાયન્સના પ્રોફેસર ડો. ગુફ્રાન બેગે 'ગુજરાત સમાચાર'ને એવી માહિતી આપી છે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના સેટેલાઇટની ઇમેજીસ અને વેધર મોડેલ દ્વારા સ્પષ્ટ થયું છે કે મુંબઇની હવાની ખરાબ ગુણવત્તાનું મુળ અને મુખ્ય પરિબળ છે ગલ્ફ (ખાડી) પ્રદેશોમાં થયેલું ધૂળનું તોફાન(ડસ્ટ સ્ટોર્મ) છે. સાથોસાથ સ્થાનિક પ્રદૂષણ પણ ખરું. હાલ ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાનના રેતાળ પ્રદેશોમાં ધૂળનાં જબરાં તોફાન થયાં છે. ચારેય દિશામાં ધૂળની ડમરીઓ ઉડી છે. પવનની ગતિ વધુ હોવાથી ધૂળના ગોટેગોટા આકાશમાં બે-ત્રણ કિલોમીટર જેટલા ઉંચે ઉડયા છે.
ગલ્ફનું ધૂળનું તોફાન આકાશમાં ઉડતું ઉડતું અરબી સમુદ્ર પર થઇને છેક ભારત સુધી પહોંચ્યું. આટલું જ નહીં, અરબી સમુદ્ર પરના મુંબઇ સુધી આવી પહોંચ્યું છે.
આમ તો હાલ શિયાળાની મોસમ હોવા છતાં ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં ધૂળનાં તોફાન થયાં છે તે પરિબળ બહુ ચિંતાજનક ગણાય. ધૂળનાં તોફાનનું કારણ એ છે કે હાલ શિયાળો હોવા છતાં ગલ્ફના આ બધા પ્રદેશોમાં ગરમીનો માહોલ છે. આ વિશાળ વિસ્તારમાં ક્લાઇમેટ ચેન્જની બહુ ઝડપભેર અસર વરતાઇ રહી હોવાથી સમગ્ર વાતાવરણ ગરમ છે. ગરમીને કારણે હવા પાતળી થઇ જાય.પરિણામે રણ પ્રદેશમાંથી ધૂળનાં મોટાં મોટાં વાદળાં ઉડે.
ચિંતાજનક પરિસ્થિતિ તો એ થઇ છે કે ભારતમાં હાલ શિયાળાનો ઠંડો માહોલ હોવાથી ધૂળનાં અને પ્રદૂષણનાં સુક્ષ્મ રજકણો ( પાર્ટિક્યુલેટેડ મેટર -- પીએમ -- ૧૦.૦ અને પીઅમે -- ૨.૫એમ બે પ્રકાર છે) એકબીજાં સાથે જોડાઇ ગયાં છે. પરિણામે તે રજકણોનું વજન વધી જાય અને વાતાવરણના ઉપરના પટ્ટામાં સતત તરતાં રહે.હાલ મુંબઇમાં પવનની ગતિ પણ ઘણી મંદ રહેતી હોવાથી આ રજકણો શહેરના વાતાવરણમાં જ રહે છે. પવનની ગતિ વધુ હોય તો ધૂળનાં-પ્રદૂષણનાં રજકણો શહેરથી દૂર દૂર સુધી ફેંકાઇ જાય.
ગલ્ફના પ્રદેશમાં ધૂળનાં તોફાન ઉનાળામાં થયાં હોત તો મુંબઇ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હોત. ગરમીને કારણે રજકણો હવા પાતળી હોવાથી ધૂળનાં સુક્ષ્મ રજકણો છેક જમીન સુધી આવી જાય. પરિણામે આખા વાતાવરણમાં ફેલાઇ જાય. શ્વાસ દ્વારા મુંબઇગરાંનાં ફેફસાંમાં પહોંચી જાય.
હાલ તો છેલ્લા સમાચાર મુજબ ગલ્ફના પ્રદેશોમાં ધૂળનાં તોફાન શમી ગયાં છે. આમ છતાં મુંબઇમાં હવા શુદ્ધ થતાં હજી કદાચ બે -- ત્રણ દિવસ થવાની શક્યતા છે.
બીજીબાજુ હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્યર જનરલ સુનીલ કાંબળેએ એવી માહિતી આપી છે કે હાલ મુંબઇ સહિત આજુબાજુના વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિ બહુ મોટાપાયે થઇ રહી છે. પરિણામે બાંધકામનાં તે તમામ સ્થળોએથી હવામાં પ્રદૂષણનાં સુક્ષ્મ રજકણો પણ આખા આકાશમાં ફેલાઇ રહ્યાં છે. હવાની ગુણવત્તા સતત ખરાબ રહે છે.