મલાડના કુરાર વિલેજમાં ચાલીની રુમમાં ગેસના બાટલાના રિફિલિંગનો જોખમી ધંધો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
મલાડના કુરાર વિલેજમાં ચાલીની રુમમાં ગેસના બાટલાના રિફિલિંગનો જોખમી ધંધો 1 - image


તમારી ચાલમાં કે આસપાસ આવો ગેરકાયદે ધંધો નથી થતો ને?

મોટા બાટલામાંથી ગેરકાયદે નાના બાટલામાં જોખમી રીતે ગેસ ભરાતો અને વેંચાતો, પોલીસે 50 બાટલાં જપ્ત કર્યાં

મુંબઈ :  મુંબઈની ગીચ લોકવસ્તી ધરાવતી અનેક  ઝૂંપડપટ્ટીઓમાં કેટલાંય ગેરકાયદે ધંધાઓ પકડાતાં હોય છે. તેમાંજ એક ગેરકાયદે ગેસ ભરવાનો ધંધો પણ ચાલતો જોવા મળ્યો છે. આ પ્રકારના ધંધાને લીધે મોટી જાનમાલની હાનિ સંભવી શકે છે. આ પ્રકારનું એક રેકેટ કુરારના સ્લમ વિસ્તારમાંથી સામે આવ્યું છે.

મલાડના કુરાર વિલેજ પરિસરમાં મોટા સિલિંડરમાંથી નાના સિલિંડરમાં ગૅસ ભરવાનું કામ કરાય છે અને તે સિલિંડરનું ગેરકાયદે વેચાણ કરાય છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કરેલી એક કાર્યવાહીમાં આ કિસ્સો તાજેતરમાં જ બહાર આવ્યો છે. ગેરકાયદે ગેસ ભરવાનો ધંધો ચાલી રહેલ સ્થળે પોલીસે છાપો મારી નાનામોટાં આશરે ૫૦ સિલિંડર જપ્ત કર્યા હતા. કોઈ તાલીમ અને લાઈસન્સ વિના જ સ્થાનિકોના જીવ પર રમી આ ધંધો ચલાવાઈ રહ્યો હતો. 

ગેરકાયદે ફેરિયાઓ, ખાદ્યપદાર્થ વિક્રેતાઓ તેમજ નાની ફેક્ટરીઓમાં કામ માટે આ નાના ગેસ સિલિન્ડરની જરુર પડતી હોય છે. અહીં ગેરકાયદે સિલિન્ડરનો પૂરવઠો કરવા માટે મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં 'રિફિલિંગ' કરાતું હોવાની માહિતી ક્રાઈમ કંટ્રોલ સેલના અધિકારીને મળી હતી. તેમણે ખાતરી કરવા પોલીસની ટીમ સહિત કુરારના રામનગરની આદર્શ ચાલમાં છાપો મારતાં આખી પોલ ખૂલી પડી ગઈ.

એક રહેણાંક ચાલમાં જોખમી રીતે રીફિલિંગનું કામ ચાલી રહ્યું હતું. એક રુમમાં લોખંડી ટેબલ પર સિલિંડર ઊંધા રાખી તેનો ગેસ પાઈપની મદદથી નાના સિલિન્ડરમાં ભરાઈ રહ્યો હતો. આ બાબતે આરોપીની પોલીસે પૂછપરછ કરતાં તે કોઈ યોગ્ય જવાબ આપી શક્યો નહોતો. ઘટના બાદ પોલીસે બે, ચાર, પાંચ, ૧૪.૫ અને ૧૧ કિલો વજનના કુલ ૫૦ સિલિન્ડર જપ્ત કર્યાં. આ સિલિન્ડર તેને ક્યાંથી મળ્યાં અને તે કોને પહોંચાડી રહ્યો હતો તે બાબતે વિગતવાર તપાસ ચાલી રહી છે.  



Google NewsGoogle News