પુણેમાં 1 વિદ્યાર્થિનીને ભણાવવાં શિક્ષિકાનો દૈનિક 45 કિમીનો પ્રવાસ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
પુણેમાં 1 વિદ્યાર્થિનીને ભણાવવાં શિક્ષિકાનો દૈનિક 45 કિમીનો પ્રવાસ 1 - image


સમગ્ર ગામમાં એક જ વિદ્યાર્થિની શાળામાં 

પુણેના મુળશી જિલ્લામાં 3 હજાર શાળાઓમાથી  21 સ્કૂલોમાં 'એક વિદ્યાર્થી એક શિક્ષિકા' જેવી પરિસ્થિતી

મુંબઈ :  જિલ્લા પરિષદની શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અભ્યાસનો સંઘર્ષ સતત જોવા મળતો હોય છે. પુણેમાં એક માત્ર વિદ્યાર્થિનીને ભણાવવા માટે તેના શિક્ષિકા દરરોજ ૪૫ કિમીનો પ્રવાસ કરી શાળામાં હાજરી આપે છે. મુળશી તાલુકાના અટલવાડી ગામમાં આવેલી આ શાળા અને તેના શિક્ષિકા હાલ ચર્ચામાં છે. આ જિલ્લાની ૩,૬૩૮ પ્રાથમિક સ્કૂલોમાંની ૨૧ સ્કૂલોમાં એક જ વિદ્યાર્થી અને એક જ શિક્ષકની સ્થિતિ છે.

આ શાળામાં ભણતી વિદ્યાર્થિની સિયા શેલારને ભણાવવા તેના શિક્ષિકા મંગલ ઢવળે દરરોજ પુણે પાસેથી ૪૫ કિમીનો ડુંગરાળ પ્રદેશનો પ્રવાસ કરી શાળામાં હાજર થાય છે. શિક્ષિકાના પતિ પણ એક શાળામાં શિક્ષક છે. તેમની ૧૨ વર્ષની દીકરી શાળામાં ભણે છે તો નાના દીકરાને તેઓ પારણાંઘરમાં મૂકી ફરજ બજાવે છે. જે શાળામાં તે ભણાવવા જાય છે, ત્યાં નેટવર્ક પણ ન હોવાથી આખો દિવસ તેમનો ઘરપરિવાર સાથે પણ કોઈ સંપર્ક થઈ શકતો નથી. વળી આ ગામમાં ખાસ રોજગાર ન હોવાથી ઘણાં લોકો શહેરમાં વસી ગયાં છે. ગામમાં માંડ ૪૦ ઘર છે, તેમાંથી ૧૫ ઘરમાં જ લોકો રહે છે અને તેમાંય શાળામાં આવનારી એક જ વિદ્યાર્થિની છે. પરંતુ તેનું શિક્ષણ ન ખોરંભાય તે માટે શિક્ષિકા આટલો પ્રવાસ કરીને પણ તેને ભણાવવા આવે છે.

પુણે જિલ્લાના પાનશેતમાં ક્લસ્ટર સ્કૂલ છે. આવી સ્કૂલો અટલવાડી જેવા વિસ્તારમાં શરુ થાય તો આસપાસની ઓછી સંખ્યા વાળા વિદ્યાર્થીઓ અહીં આવીને ભણી શકે અને વિદ્યાર્થીઓને ગુ્રપ એક્ટિવિટી કરવાની તક મળે અને અભ્યાસમાં સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ કરી શકાય, એવો મત આ બાબતે શિક્ષણ વિભાગે માંડયો છે. જોકે શિક્ષકો અને વાલીઓ ક્લસ્ટર શાળાના વિરોધમાં છે. કારણ આવી શાળાઓ શરુ તો થઈ જાય છે, બાદમાં વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળતી નથી. તો ક્યારેક શિક્ષકોને પણ કમી કરવા પડે છે.



Google NewsGoogle News