ટ્રેનમાંથી પડી જતાં કે ટ્રેન ઓળંગતા મોતના રોજના કિસ્સા ઘટીને 8
અગાઉ સરેરાશ 10 મોત થતાં હતાં
એક વર્ષમાં 2590 લોકોનાં મોત , તેમાંથી 590ના ટ્રેનમાંથી પટકાતાં મોત
મુંબઈ : મુંબઈની લોકલ ટ્રેનોમાં રોજ ૭૫ લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે. ભારે ભીડમાં ટ્રેનમાંથી પડવાને કારણે કે પાટા ઓળંગવા જેવા કારણોસર રોજ સરેરાશ ૧૦ લોકોના મત થતા હતા જે આંકડો ઘટીને આઠ સુધી પહોંચ્યો છે. આ ઘટાડો રેલવેના જનજાગૃતિ કાર્યક્રમો અને અન્ય પગલાં લેવાને કારણે ઘટયા હોવાનું રેલવે પ્રશાસનનું માનવું છે.
રેલવેના મિશન ઝીરો ડેથ હેઠળ લેવામાં આવેલા પગલાંને કારણે મૃત્યુની સંખ્યા ઘટી રહી છે તેમ છતાં સૌથી વધુ મોત રેલવે ટ્રેક ક્રોસિંગ દરમિયાન થયા છે.
ગત આખા વર્ષ દરમિયાન ત્રણેય રેલવે લાઈન પર કુલ ૨૫૯૦ પ્રવાસીઓના મોત થયા હતા. તેમંથી ૧૨૭૭ લોકોએ પાટા ઓળંગતા જીવ ગુમાવ્યો હતો. અને ૫૯૦ લોકો ભીડવાળી ટ્રેનમાંથી પડીને મોત પામ્યા હતા. ૧૪ લોકોના મોત સ્ટેશને કે લોકલમાં વીજ કરંટ લાગવાથી થયા હતા. તો ૧૨૧ લોકોએ આત્મહત્યા કરી હતી.
મૃત્યુ પામનારાઓમાં સેન્ટ્રલ રેલવેમાં સહુથી વધુ મોત કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયા હતા. જેનો આંકડો ૩૩૬ છે. પશ્ચિમ રેલવેમાં બોરીવલી સ્ટેશનની હદમાં સૌથી વધુ ૨૫૬ લોકોના મોત થયા હતા.
વર્ષ ૨૦૨૨માં કુલ ૨૫૦૭ લોકો વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા. પશ્ચિમ રેલવેએ ગત વર્ષે ઝીરો ડેથ ઝુંબેશ હેઠળ ૧૩ એફઓબી, નવા ૧૮ એસ્કેલેટર અને ૧૫ લિફ્ટ શરૃ કરી હતી. પ્લેટફોર્મની ઊંચાઈ અમુક સ્ટેશનો પર વધારવામાં આવી હતી. ટ્રેક ક્રોસિંગ અટકાવવા માટે બે ટ્રેક વચ્ચે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને સંભવિત અકસ્માત સ્થળો પર ચેતવણી સૂચનાઓના બોર્ડ મૂકવામાં આવ્યા છે.