વહીદા રહેમાનને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
વહીદા રહેમાનને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 1 - image


ઇટર્નલી ગ્રેસફૂલ વહીદાએ પોતાનો એવોર્ડ સમગ્ર ફિલ્મ ઉદ્યોગને સમર્પિત કર્યો

ગાઈડ, પ્યાસા, કાગઝ કે ફૂલ સહિતની ક્લાસિક ફિલ્મોનાં અભિનેત્રી વહીદા એક ઉત્તમ નૃત્યાંગના પણ છેઃ અગાઉ નેશનલ એવોર્ડ ઉપરાંત પદ્મભૂષણ સન્માન પણ મેળવ્યું

મુંબઈ :  ભારતીય સિનેમાંના સર્વકાલીન ગ્રેસફૂલ અભિનેત્રીઓમાંના એક ગણાતાં વહીદા રહેમાનને ભારતીય સિને જગતના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવાની જાહેરાત કરવામાં આવી છે. 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'ગાઈડ', 'સાહિબ બીબી ઔર ગુલામ' 'ચૌદહવી કા ચાંદ' સહિતની અનેક ક્લાસિક ફિલ્મો સહિત પાંચ દાયકાથી ભારતીય સિનેમાને આપેલાં પ્રદાન બદલ તેમને આ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી  સન્માનવામાં આવ્યાં છે. 

વહીદા રહેમાને આ એવોર્ડ માટે પોતાની પસંદગી બદલ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે પોતાનાં કામની કદર થાય ત્યારે અવશ્ય ખુશી થાય છે. લોકોએ સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતા સાથે પોતાનું કામ કરવું જોઈએ. એમ કરતા રહીએ ત્યારે ઓડિયન્સનો પ્રેમ અને આવું સન્માન મળે છે. ૮૫ વર્ષીય વહીદા રહેમાને પોતાનો આ એવોર્ડ સમગ્ર ફિલ્મ ઉદ્યોગને અર્પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોઈ એક ફિલ્મ તમારાં એકલાનાં પ્રદાનથી સારી બનતી નથી. તેની પાછળ અનેક લોકોની મહેનત હોય છે. આથી હું આ એવોર્ડ મારા સહકલાકારો, પડદા પાછળના કસબીઓ, દરેક ડિપાર્ટમેન્ટના દરેક વ્યક્તિઓ, મારા દિગ્દર્શકો એમ સમગ્ર ઈન્ડસ્ટ્રીને હું સમર્પિત કરું છું. આ ઉદ્યોગે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. આજે હું જે કાંઈ છું તે મારા કારણે છું. 

ઉલ્લેખનીય છે કે હાલ વહીદાના સહકલાકાર દેવ આનંદનું જન્મશતાબ્દિ વર્ષ ઉજવાઈ રહ્યું છે. હજુ બે દિવસ પહેલાં જ તેમણે મુંબઈમાં દેવ આનંદની જન્મશતાબ્દિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. વહીદા દેવ આનંદ સાથેની 'ગાઈડ'ને પોતાની સૌથી મનપસંદ ફિલ્મોની યાદીમાં હંમેશા ટોચ પર મૂકે છે. 

કેન્દ્રીય માહિતી અને પ્રસાર પ્રધાન અનુરાગ ઠાકુરે વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવી રહ્યાં હોવાની જાહેરાત કરી હતી.   વહીદા રહેમાનને આ પહેલાં પદ્મશ્રી તથા પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવી ચૂક્યાં છે. તેમને 'રેશ્મા ઔર શેરા' ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. વહીદા હાલમાં પણ ક્યારેક ક્યારેક ફિલ્મોમાં દેખાતાં રહે છે. ભારતીય સિનેમાના અપ્રતિમ સૌંદર્ય, અભિનય કલા તથા ઉત્કૃષ્ટ નૃત્યાંગના તરીકે પણ તેમની ગણતરી થાય છે. 

વહીદા રહેમાનનો જન્મ ૧૯૩૮ની ત્રીજી ફેબુ્રઆરીે તત્કાલીન મદ્રાસ રાજ્યનાં ચેંગલપેટ ખાતે થયો હતો. ૧૯૫૫માં તેલુગુ ફિલ્મ  'રોજુલુ મેરેયી'થી તેમણે કારકિર્દી શરુ કરી હતી. જોકે, તે પછી ગુરુદત્ત સાથેની હિન્દી ફિલ્મો 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ', 'ચૌદહવી કા ચાંદ ', 'સાહિબ બીબી ઔર ગુલામ' થી તેઓ ભારતીય સિનેમાની ટોચની એકટ્રેસ બન્યાં હતાં. દેવ આનંદ સાથેની 'સીઆઈડી' તથા 'ગાઈડ' બંને તેમની કેરિયરની સૌથી યાદગાર ફિલ્મોમાં સ્થાન પામે છે. 'સીઆઈડી' બોલીવૂડમાં તેમની પહેલી ફિલ્મ હતી. 

૭૦ના દાયકા પછી વહીદા ચરિત્ર ભૂમિકાઓ તરફ વળ્યાં હતાં. યશ ચોપરાની ક્લાસિક રોમાન્ટિક ફિલ્મો 'કભી કભી' તથા 'ચાંદની' બંનેમાં તેમણે ભૂમિકાઓ ભજવી છે. નવી પેઢીના દર્શકોએ તેમને 'રંગ દે બસંતી'માં એરફોર્સના ફાઈટર પાયલોટ આર માધવનનીમાતા તથા 'દિલ્હી સિક્સ'માં અભિષેક બચ્ચનનાં દાદીના રોલમાં જોયાં છે.

વહીદા રહેમાનની અંગત જિંદગી વિશે બહુ ઓછી માહિતી બહાર આવી છે. તેમનાં લગ્ન ૧૯૭૪માં શશી રેખી સાથે થયાં હતાં. તેમણે બંનેએ 'શગૂન' નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમનાં બંને સંતાનો સૌહેલ તથા કેશવી લેખનકાર્ય સાથે સંકળાયેલાં છે. વહીદા વર્ષો સુધી પરિવાર સાથે બેંગ્લુરુ શિફ્ટ થઈ ગયાં હતાં પરંતુ ૨૦૦૦ની સાલમાં પતિનાં અવસાન બાદ તેઓ મુંબઈ પરત ફર્યાં હતાં. તેમની અત્યાર સુધીની છેલ્લી ફિલ્મ 'સ્કેટર ગર્લ' ૨૦૨૧માં રજૂ થઈ હતી. 

વહીદા ફાળકે એવોર્ડ મેળવનારાં આઠમાં મહિલા

દાદા સાહેબ ફાળકે એવોર્ડ ૧૯૬૯થી આપવાનું  શરુ થયું ત્યારે સૌપ્રથમ તે એક મહિલા અભિનેત્રી દેવિકા રાણીને જ મળ્યો હતો. તે પછી અત્યાર સુધીમાં સાત મહિલાઓને આ એવોર્ડ મળ્યો છે. તેમાં સુલોચના તરીકે જાણીતાં રુબી માયર્સ, કાનન દેવી, દુર્ગા ખોટે, લત્તા મંગેશકર, આશા ભોંસલે તથા આશા પારેખનો  સમાવેશ થાય છે. હવે વહીદા આ સન્માન મેળવનારાં આઠમા મહિલા બન્યાં છે.



Google NewsGoogle News