મુંબઈના ડબાવાળાઓને કેરળના પાઠયપુસ્તકમાં સ્થાન મળ્યું
ધો.9ના અંગ્રેજી વિષયમાં ડબાવાળાનો એક પાઠ
મહારાષ્ટ્રમાં પણ ડબાવાળાની મહેનતને દર્શાવતો પાઠ સમાવવાની માગણી ઊઠી
મુંબઈ - મુંબઈના ઘણાંખરાં નોકરીયાતોની પેટની ભૂખ ભગાડવા તેમને સમયસર ડબો પહોંચાડનારા મુંબઈના ડબાવાળાઓની ૧૩૪ વર્ષની આ પરંપરાને હવે કેરળના પાઠયપુસ્તકમાં સ્થાન મળ્યું છે.
કેરળ સ્ટેટ એજ્યુકેશન બોર્ડના ધો.૯ના અંગ્રેજી વિષયના પાઠયપુસ્તકમાં ડબાવાળાઓની કામગીરીની માહિતી આપતો પાઠ સમાવિષ્ટ કરાયો છે. ગત ૧૩૪ વર્ષથી મુંબઈના ડબાવાળા ભોજનના ટિફીન ઘેર કે ભોજનાલયથી લઈ નોકરિયાતો સુધી પહોંચાડતાં આવ્યાં છે. તેની સમયસૂચકતા, કામ કરવાની પદ્ધતિ અને છતાંય ક્યારેય કોઈ ન થતી ભૂલ વગેરેને ધ્યાનમાં લઈ તેમના કાર્યની પ્રશંસા કરતો પાઠ કેરળ રાજ્ય શિક્ષણ મંડળે ધો.૯ના અભ્યાસક્રમમાં મૂક્યો છે.
બુધવારે કેરળના પ્રતિનિધિ આ પુસ્તક ડબાવાળાઓને દાખવવા માટે લઈ આવ્યાં હતાં. મહારાષ્ટ્રના પાઠયપુસ્તકમાં પણ આ મુજબનો ડબાવાળાઓનો પાઠ લાગુ કરવો, એવી વિનંતી અમે સરકારને કરીશું, એવું મુંબઈ ડબાવાલા એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું હતું.