મુંબઈમાં આંધી-તોફાન : હોર્ડિંગ પડતા ચાર મોત, 100 દટાયા
- આશ્રય લીધો એ છત્ર જ જીવનું જોખમ બન્યું
- જવલ્લે જ જોવા મળે તેવાં ડસ્ટ સ્ટોર્મ બાદ તોફાની વરસાદમાં મુંબઈમાં તબાહીનું ટ્રેલર : લોકલ ટ્રેનો, મેટ્રો અને ફલાઈટ્સ પણ ઠપ
- 50થી વધુ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં : સીએમ સહિતના નેતાઓ દોડયા : તપાસના આદેશો છૂટયા
મુંબઇ : મુંબઈમાં સોમવારે બપોરે ભાગ્યે જોવા મળે તેવાં ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલા આંધી તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપર વિસ્તારમાં એક ૧૨૦ ફૂટ બાય ૧૨૦ ફૂટનું વિશાળ હોર્ડિંગ તેનાં ગર્ડર સાથે પેટ્રોલ પંપ પર ખાબકતાં વરસાદ અને આંધીથી બચવા પેટ્રોલ પંચ નીચે આશરો લેનારા ૧૦૦થી વધુ લોકો દટાયા હતા. તેમાંથી ચારનાં મોત થયાં હતાં જ્યારે અન્ય ૭૦થી વધુને ગંભીર ઈજાઓ સાથે જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. આશરે એક કલાકના ંડસ્ટ સ્ટોર્મને લીધે મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શહેરમાં બીજાં પણ અનેક સ્ટ્રક્ચર્સ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. શહેરમાં ડસ્ટ સ્ટોર્મ તથા વરસાદને કારણે ટ્રેનો, મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી તથા ફલાઈટ્સ પણ એક કલાક માટે બંધ રાખવાની નોબત આવી હતી.
મુંબઈમાં આજે બપોરે ત્રણ વાગ્યા પછી વાતાવરણ અચાનક જ પલ્ટાઈ ગયું હતું. થાણે, નવી મુંબઈ તથા કલ્યાણ અને અંબરનાથ-બદલાપુર વિસ્તારોથી થઈને ભયાનક ડસ્ટ સ્ટોર્મ ખાસ કરીને ઉત્તર-મધ્ય મુંબઈના પરાંઓ પર ત્રાટક્યું હતું. કેટલાક દાવા અનુસાર આશરે ૧૦૦ કિમી કરતાં પણ વધુ ઝડપે ફૂંકાયેલી આંધીના કારણે ધૂળના રજકણોથી વિઝિબિલિટી એકદ મ પુઅર થઈ ગઈ હતી. ત્યારબાદ શરુ થયેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ઓવરહેડ કેબલને નુકસાનના કારણે મુંબઈની વેસ્ટર્ન તથા સેન્ટ્રલ લાઈનની લોકલો થોડા સમય માટે થોભાવી દેવાઈ હતી અને બાદમાં બન્ચિંગના કારણે સાંજના રશ અવર્સમાં ટ્રેનો મોડી પડી હતી. ઈલેક્ટ્રિકલ ખામીને પગલે ઘાટકોપર-વર્સોવા મેટ્રો ટ્રેન પણ થોભાવી દેવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર વિઝિબિલિટી પુઅર થતાં આશરે એક કલાક કરતાં વધારે સમય સુધી ફલાઈટ્સનું આવાગમન અટકાવી દેવાયુ ંહતું અને ૧૫ ફલાઈટ્સને અન્યત્ર ટાળવામાં આવી હતી. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરાંત અટલ સેતુ અને નવા બનેલા કોસ્ટલ રોડ પર પણ વિઝિબિલિટીના અભાવે કારચાલકોએ થંભી જવાની ફરજ પડી હતી.
આ દરમિયાન જ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ઘાટકોપર પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છેડા નગરમાં રેલવે પોલીસ ગ્રાઉન્ડ પાસેનાં પેટ્રોલ પંપર પર એક વિશાળ હોર્ડિંગ ગર્ડર સાથે ધરાશાયી થયું હતું. આંધી તથા વરસાદથી બચવા માટે અનેક લોકો આ પેટ્રોલ પંપ નીચે આશરો લેવા ઊભા હતા. તેમા ંમોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકો તથા મહિલાઓનો સમાવેશ થતો હતો. આ કોઈને કલ્પના પણ ન હતી અને જોતજોતામાં હોર્ડિંગ સાથેનું વિશાળ સ્ટ્રક્ચર પેટ્રોલ પંપ પર ખાબક્યુ ંહતું. તેના કારણે પેટ્રોલ પંપની સિલિંગ સહિતના ભાગને પણ નુકસાન થયું હતું અને બેહદ ટૂંકી જગ્યામાં ગીચોગીચ ઊભા રહેલા આશરે ૧૦૦થી વધુ લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા.
લોકોની ભારે ચીસોથી વાતાવરણ ગાજી ઉઠયું હતું. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ, પાલિકાના કર્મચારી, ફાયરબ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ પોર્સ (એનડીઆરએફ)ની ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ થયા હતા. હોર્ડિંગ ખસેડવા ક્રેન અને ગેસ કટર લાવવામાં આવ્યા હતા. ગેસ કરટથી પેટ્રોલપંપ પર ડિઝલ, સીએનજી, પેટ્રોલના લીધે આગ લાગવાનું જોખમ હતું. આથી સાવચેતીથી બચાવ કામગીરી કરવામાં આવી હતી.
કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ગંભીરપણે જખમી થયેલા ચારના મોત નિપજ્યા હતા.જોકે, પાલિકાના વર્તુળોએ વ્યક્ત કરેલી આશંકા અનુસાર આશરે ૭૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાથી મૃત્યુઆંક હજુ વધે તેવી આશંકા છે. કાટમાળ હેઠળ દટાયેલા લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રહ્યું હતું. એનડીઆરએફ દ્વારા કાટમાળ હટાવવા માટે વધુ ક્રેન તથા ગેસ કટર્સ મગાવાયા હતાં. એનડીઆરએફના જણાવાયા અનુસાર તેમના દ્વારા ૭૦થી વધુ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતાં. તેમાંથી ત્રણ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ચૂક્યા હોવાનું જણાયું હતું.
આ દુર્ઘટના બાદ સીએમ એકનાથ શિંદેએ અને ડીસીએમ દેવેન્દ્ર ફડણવીસ એકશન મોડ પર આવ્યા હતા. તેમણે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. મૃતકોને પાંચ લાખનું વળતર જાહેર કરાયં હતું. ઘાયલોને સારવારનો તમામ ખર્ચ આપવાની જાહેરાત કરાઈ હતી. બીજી તરફ મુંબઇ મહાનગર પાલિકાએ હોર્ડિંગ લગાડનારી કંપની અને અન્ય સંબંધિત સામે ફરિયાદ નોંધાવી છે.
ઘાટકોપરની દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મને આ ઘટનાની માહિતી મળતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બચાવ કામગીરી માટે આદેશ આપ્યો હતો. શહેરના તમામ હોર્ડિંગનું સ્ટ્રકચરલ ઓડીટ કરવા સૂચના આપી છે, એમ મુખ્ય પ્રદાન એકનાથ શિંદેએ કહ્યું હતું.
જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તેમને જરૂરી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
મહાપાલિકાએ છેલ્લાં એક વર્ષથી વાંધો લીધો હતો
40 બાય 40ના નિયમ સામે 120 બાય 120 નું હોર્ડિંગ બન્યુ
- ગેરકાયદે હોર્ડિંગને દૂર કરવા ગયાં સપ્તાહે જ નોટિસ અપાઈ હતી : તમામ હોર્ડિંગની તપાસ કરાશે
પાલિકાના દાવા અનુસાર ૪૦ બાય ૪૦નું હોર્ડિંગ લગાડવાની મંજૂરી અપાઈ છે. પરંતુ અહીં ૧૨૦ બાય ૧૨૦ ચોરસફૂટનું વિશાળ હોર્ડિંગ તૈયાર કરી દેવાયું હતું. જોકે, આટલા સમયથી આ હોર્ડિંગ અહીં બની ગયું હતું છતાં પણ પાલિકાના સ્થાનિક અધિકારીઓના ધ્યાનમાં કેમ ન આવ્યું તે એક સવાલ છે.
હવે પોતાના પગ નીચે રેલો આવતાં પાલિકાએ એવો ખુલાસો કર્યો હતો કે મુલુંડમાં ઓફિસ ધરાવતી ઈગો મીડિયા નામની કંપની દ્વારા આ હોર્ડિંગ ઊભું કરાયું હતું. મહાપાલિકાના દાવા અનુસાર આ હોર્ડિંગ રાજ્ય સરકાર અને પોલીસ વેલ્ફેર હાઉસિંગ કોર્પોરેશનની જગ્યા પર ઊભું કરાયું હતું. આ જગ્યાએ કુલ ચાર સ્ટ્રકચરને મંજૂરી અપાઈ હતી. તે પૈકીનું એક હોર્ડિંગ આજે તૂટી પડયું હતું. કમિશનર ઓફ પોલીસ(રેલવે) દ્વારા આ હોર્ડિંગ માટે મંજૂરી અપાઈ હતી. હોર્ડિંગ લગાડવા પહેલા એડર્વટાઇઝિંગ એજન્સી કે રેલવેએ પાલિકાની કોઇ પરવાનગી લીધી નહોતી.
ગત બીજી મેના પાલિકાએ રેલવે પોલીસના એસીપી (એડમીન)ને નોટિંસ આપી હોર્ડિંગ માટે રેલવે દ્વારા અપાયેલી તમામ પરવાનગી રદ્દ કરવા કહ્યું હતું. તેમણે હોર્ડિંગ દૂર કરવા માટે નોટિસ આપી હતી.
અગાઉ આ હોર્ડિંગ લગાડવા અડચણરૂપ બની રહેલી અનેક વૃક્ષને ઝેરી દવા અપાઇ હતી. જેના લીધે વૃક્ષો સૂકાઇ ગયા હતા. આ મામલે પાલિકાએ એજન્સી સામે ફરિયાદ નોંધાવી હતી.
રાજ્ય સરકાર તથા મહાપાલિકાએ ઘાટકોપર દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા તમામ હોર્ડિંગની તપાસના આદેશો આપ્યા છે. આ હોર્ડિંગ કાયદેસર લાગેલાં છે કે નહિ તેમાં સ્ટ્રકચરલ સેફ્ટીના નિયમો જળવાયા છે કે નહિ તથા અન્ય મંજૂરીઓ અને સેફ્ટી તપાસના ધોરણોમાંથી પાર ઉતર્યાં છે કે કેમ તેની તપાસ કરાશે. જે હોર્ડિંગ ગેરકાયદેસર તથા જોખમી જણાશે તે તત્કાળ ઉતારી લેવામાં આવશે.