સ્ટોક ફ્રોડમાં 14 લાખ રુપિયા સાઈબર ક્રાઈમે પાછા અપાવ્યા
3 અલગ અલગ ફરિયાદીને પૈસા પરત મળ્યા
પૈસા જમા થયા હતા એ બેન્ક ખાતાં ફ્રીઝ કરાયાં :કોર્ટ કાર્યવાહી બાદ પાછા મળ્યા
મુંબઇ : ફેસબુક કે ટેલિગ્રામ પર શેર ટ્રેડિંગના નામે ઠગાઈના વધતા કેસો વચ્ચે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ કેસમાં ફરિયાદી પાસેથી છેતરપિંડી કરીને લેવામાં આવેલાં૧૪ લાખ રૃપિયા સફળતાપૂર્વક ફરી મેળવીને આપ્યા છે.
મીરા રોડમાં રહેતાં ફરિયાદી સુંદરે ફેસબુક પર શેર ટ્રેડિંગ ગૂ્રપમાં ૩ લાખ ૪૯ હજાર રૃપિયાનું રોકાણ કર્યું હતું.ભાયંદરના ફરિયાદી શાહે એસએમસી ગ્લોબલ એપ પર ૧૦ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું. ભાયંદરમાં રહેતાં ફરિયાદી ધનાવડેએ ટેલિગ્રામ પર ૪ લાખ ૮૯ હજાર રૃપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ, તેઓ સાયબર ગુનેગારો દ્વારા છેતરાયા હતા.
આ સંદર્ભે, ફરિયાદીઓએ સાયબર હેલ્પલાઇન (એનસીસીઆરપી) પર વિવિધ ફરિયાદો નોંધાવી હતી. ત્રણેય કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૃ કરી હતી. જે બેન્કમાં પૈસા જમા કરાવ્યા હતા તેનો સંપર્ક કરીને પૈસા ફ્રીઝ કરી દેવાયા હતા. એ બાદ પોલીસે તપાસ હાથ ધરીને પૈસા પાછા મેળવ્યા હતા અને કોર્ટમાં અરજી કર્યા બાદ ફરિયાદીઓને પૈસા પરત કરવામાં આવ્યા હતા.