વિદેશી કંપનીને બનાવટી ઇ-મેલ કરી 1.5 કરોડની સાયબર છેતરપિંડી
સાયબર ઠગ ગેંગના બેન્ક ખાતાની માહિતી મેળવવામાં આવી રહી છે
મુંબઈ - અંધેરીમાં એક કંપનીના અધિકારીઓના ઇ-મેલ હેક કરી વિદેશી કંપની સાથે રૃા.૧.૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. સાયબર ગેંગના બેન્ક ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે.
અંધેરી (પશ્ચિમ) સ્થિત એક કંપનીએ આ બાબતે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા આરોપી વિરૃદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ આદરી છે.
ફરિયાદી કંપની કેમિકલ સેકટરની છે સાયબર ટોળકીએ ફરિયાદી કંપનીના સિનિયર એક્સપોર્ટ મેનેજર મંગલા કામત અને બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર અંગદ સિંહના અધિકૃત ઇ-મેલ હેક કર્યા હતા.
ત્યારબાદ આ કંપનીની ગ્રાક ઇજીપ્ત કેનેડિયન કંપનીના નામ જેવો ઇ-મેલ બનાવ્યો હતો. આરોપીઓ હેક કરેલા ઇ-મેલ દ્વારા વિદેશી કંપની સાથે વાત કરતા હતા બનાવટી ઇ-મેલ દ્વારા અંધેરીની કંપનીનો પણ સંપર્ક કર્યો હતો.
અંધેરીની કંપનીને ઇજીપ્ત કેનેડિયન કંપની પાંસેથી એક લાખ ૫૩ હજાર ૬૦૦ અમેરિકન ડોલર્સ મળવાના હતા.
આ રકમ બાબતે આરોપીએ વિદેશી કંપનીને ઇ-મેલ મોકલીને તેના પર પોતાનો બેન્ક એકાઉન્ટ નંબર મોકલ્યો હતો આથી વિદેશી કંપનીએ તે બેનન્ક ખાતામાં રૃા.૧.૩૩ કરોડ જમા કર્યા હતા.
અંધેરીની કંપનીએ હાલમાં વિદેશી કંપનીનો સંપર્ક કર્યો ત્યારે છેતરપિંડીની જાણ થઇ હતી. વિદેશી કંપનીએ કયા બેન્ક ખાતામાં રકમ જમા કરી હતી એની માહિતી મંગાવવામાં આવી રહી છે.