માલ ક્લિયર કરાવવા 80 હજારની લાંચ લેતા કસ્ટમ સુપ્રિ. ઝડપાયા
એરપોર્ટની કસ્ટમ ઓફિસમાં સીબીઆઈનું છટકું
ચીનથી આવેલા કન્સાઈન્ટમેન્ટમાં એન્ટિ ડમ્પિગ ડયૂટી ન ફટકારવા લાંચ માગી હતી
મુંબઇ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના મુંબઇ યુનિટે એક કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટની ૮૦ હજાર રૃપિયાની લાંચ સ્વીકારતા ધરપકડ કરી છે. પુણેના એક વેપારીએ ચીનથી મંગાવેલ આયાતી માલ ક્લિયર કરવા લાંચની આ રકમ માગી હતી.
સીબીઆઇએ કુમાર સાકેત નામના આ અધિકારીની મંગળવારે અંધેરીના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ, સહાસ ખાતેની તેની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ કથિત રીતે સાકેતને લાંચ માગવાના અને મેળવવાના કૃત્યમાં પકડયા બાદ તેના નવી મુંબઇના ઉલવે ખાતેના ઘરે પણ તપાસ હાથ ધરી હતી.
એજન્સી અનુસાર પુણેના એક વેપારીએ ચીનથી અમૂક આયાતી માલ મંગાવ્યો હતો વેપારી જ્યારે અધિકારી સાકેતને તનું કન્સાઇન્મેન્ટ ક્લિયર કરવા મળ્યો ત્યારે અધિકારીએ દાવો કર્યો હતો કે આ કન્સાઇન્મેન્ટ પર રૃા. ૨.૮૦ લાખની એન્ટિ- ડમ્પિંગ ડયુટી લગાવવામાં આવશે. જો તેને આ ડમ્પિંગ ડયુટી ન ભરવી હોય તો તેની અડધી રકમ લાંચ સ્વરૃપે તેને આપવી પડશે. જો આ રકમ ચૂકવશે તો તેને સત્તાવાર ડયુટી ભર્યા વિના કન્સાઇનમેન્ટ ક્લિયર કરવાનું વચન આપ્યું હતું.
વેપારીએ જ્યારે ૧.૪૦ લાખની રકમ ચૂકવ વાની અસમર્થના દર્શાવી ત્યારે સાકેતે કથિત રીતે આ રકમ ઘટાડી એક લાખ કરી આપી હતી. આ ઉપરાંત લાંચની રકમની વ્યવસ્થા કર્યા બાદ સંપર્ક કરવા અધિકારીએ તેનો મોબાઇલ નંબર પણ કથિત રીતે આપ્યો હતો. સીબીઆઇએ જણાવ્યું હતું કે મંગળવારે વેપારીની ફરિયાદને આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આરોપીએ તેની ઓફિસમાં ફરિયાદી પાસેથી ૮૦ હજાર સ્વીકાર્યા હતા. આ સમયે સીબીઆઇના અધિકારીઓએ રંગેહાથો ઝડપી લીધો હતો. ત્યારબાદ આરોપીની ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હ તી. સાકેતને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતા ત્રણ દિવસની સીબીઆઇની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.