કસ્ટમ વિભાગ યોગ્ય પ્રક્રિયા વિના આડેધડ ટાંચ ન મારેઃ હાઈકોર્ટ
3 ઝવેરીના ખાતાને ટાંચ મારવાનો આદેશ રદબાતલ
દિશાહિન મુનસફી પ્રમાણે ટાંચમાં મારવાની છૂટ અપાય નહીં, આ રીતેકાયદેસરના વ્યવસાય પર આપખુદ સત્તાની તરાપ આવી શકે
મુંબઈ : વ્યક્તિનું બેન્ક ખાતું ટાંચમાં લેવા પૂર્વે યોગ્ય પ્રક્રિયા અનુસરવી જરૃરી છે અને દિશાહિન મુનસફી ચાલવા દેવાય નહીં કેમ કે તેનાથી વ્યક્તિ અને તેના કાયદેસર વ્યવસાયિક પ્રવૃત્તિ પર આપખુદ સત્તાની તરાપ આવી શકે છે એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું.
સોનાના ત્રણ વેપારીના બેન્ક ખાતાને ટાંચ મારવાના કસ્ટમ્સના નિર્ણયને હાઈ કોર્ટે રદ કર્યો હતો. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે સંબંધીત અધિકારીએ કસ્ટમ્સ એક્ટ હેઠળની પ્રક્રિયા અનુસરી નથી.
કાયદા અનુસાર વરિષ્ઠ અધિકારી મેહસૂલ જતું અટકાવવા અથવા દાણચોરી અટકાવવા બેન્ક ખાતાને ઓપરેટ કરવાથી કામચલાઉ બ્લોક કરી શકે છે. જોકે બેન્ક ખાતું ટાંચમાં લેવા પૂર્વે વિસ્તૃત પ્રક્રિયા જણાવાઈ છે.
ચોક્સી અરવિંદ જ્વેલર્સ, પલ્લવ ગોલ્ડ અને મક્સીસ બુલિયન નામના ત્રણ ઝવેરીઓએ કરેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી. ત્રણે જણે કસ્ટમ્સે જાન્યુઆરીમાં તેમના બેન્ક ખાતા ટાંચમાં લેવાના આપેલા આદેશને રદ કરવાની દાદ માગી હતી.
ભારતમાં સોનાની દાણચોરી સંબંધી તપાસમાં તેમની કચેરીઓની તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમુને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમના બેન્ક ખાતાના કામચલાઉ ટાંચમાં લેવા સંબંધી માહિતી અપાઈ નહોતી. ખાતાએ સંબંધીત બેન્કને સીધો પત્ર લખ્યો હતો.
કસ્ટમ્સના વકિલે દલીલ કર ીહતી કે કોઈ લેખિત આદેશ અપાવાની જરૃર નથી અને પત્ર બેન્કને આપ્યો એ જ આદેશ સમાન છે. દલીલ સાથે કોર્ટે અસમંતિ દર્શાવીને જણાવ્યું હતું કે સંબંધીત અધિકારીએ બેન્ક ખાતું ટાંચમાં લેવાની જરૃરિયાત હોવાનું મંતવ્ય બનાવ્યું હોવું જોઈએ અને આ મંતવ્ય સરકારની મહેસૂલ કે દાણચોરી અટકાવવાના હેતુ સાથેે હોવું જોઈએ.
કોર્ટે આદેશ રદ કરીને બેન્કને નિર્દેશ આપ્યો હતો કે અરજદારોને તેમના ખાતા કોઈ વિઘ્ન વિના ઓપરેટ કરવાદેવામાં આવે. કોર્ટે જોકે સ્પષ્ટ કર્યું હતું કે કસ્ટમ્સ યોગ્ય પ્રક્રિયા કરીને ગમે ત્યારે ખાતા કામચલાઉ ટાંચમાં લઈ શકે છે.