Get The App

થર્ડ પાર્ટી દ્વારા ફ્રોડમાં ગ્રાહકની જવાબદારી શૂન્ય ગણાવી બેન્કને રિફન્ડનો આદેશ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
થર્ડ પાર્ટી દ્વારા ફ્રોડમાં ગ્રાહકની જવાબદારી શૂન્ય ગણાવી બેન્કને રિફન્ડનો આદેશ 1 - image


બેન્ક ઓફ બરોડાને  6 સપ્તાહમાં રકમ જમા કરવા નિર્દેશ

ઓટીપી વિના બેન્ક ખાતામાં લાભાર્થી ઉમેરાયાના બીજા દિવસે 76 લાખ ઉપડી ગયાઃ બેકિંગ લોકપાલના આદેશને  હાઈકોર્ટે ફગાવ્યો

મુંબઈ :  ત્રાહિત પક્ષ દ્વારા સિસ્ટમ માં ભાંગફોડ થઈ હોય અને બેન્ક કે ગ્રાહકને બદલે સિસ્ટમમાં ક્યાંક ખામી થઈ હોય તેવામાં થયેલા ગેરકાયદે વ્યવહાર માટે ગ્રાહકની જવાબદારી શૂન્ય બને છે, એમ બોમ્બે હાઈ કોર્ટે નોંધીને ગુરુવારે બેન્ક ઓફ બરોડાને કંપનીના બેન્ક ખાતામાંથી  સાઈબર ફ્રોડ દ્વારા કપાયેલી રૃ. ૭૬ લાખની રકમ રિફન્ડ કરવાનો નિર્દેશ આપ્યો છે.

બેન્કિંગના લોકપાલે રકમ જમા કરવાનો બેન્કને આદેશ આપવાનો ઈનકાર કરતાં આદેશ સામે જયપ્રકાશ કુલકર્ણી અને ફાર્મા આયુર્વદ પ્રા. લિ. દ્વારા કરાયેલી અરજીની સુનાવણી થઈ રહી હતી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જુલાઈ ૨૦૧૭માં જારી કરેલા પરિપત્રકને ટાંકીને કોર્ટે જણાવ્યું હતું કે બેન્ક ઓફ બરોડાની નીતિ છે જેને કન્ઝ્યુમર પ્રોટેક્શન પોલિસી કહેવાય છે અને તેમાં પણ એ જ વસ્તુ કહેલી છે.

નિર્દોષ લોકો કઈ રીતે સાઈબર ફ્રોડનો ભોગ બને છે એનો દાખલો હોવાનું કહીને હાઈકોર્ટે જણાવ્યું હતું કે આરબીઆઈના પરિપત્રક અને બેન્કની નીતિ અનુસારજ્યારે થર્ડ પાર્ટીના ફ્રોડને કારણે ગેરકાયદે વ્યવહાર થયો હોય અને જેમાં બેન્ક કે ગ્રાહકની કોઈ ભૂલ ન હોય તેમ જ ગ્રાહકે ચોક્કસ સમયગાળમાં આવા આર્થિકવ્યવહાર સંબંધે બેન્કને જાણી કરી દીધી હોય ત્યારે ગ્રાહકની જવાબદારી શૂન્ય હોય છે.

અરજી અનુસાર પહેલી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ચોક્કસ વ્યક્તિ કે કંપનીને અરજદારની કંપનીના બેન્ક  ખાતામાં ઓટીપી મોકલાવ્યા વિના લાભાર્થી તરીકે ઉમેરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા દિવસે રૃ. ૭૬ લાખની રકમ અરજદારના બેન્ક ખાતામાંથી ઉપડી ગયા હતા.

બેન્કે દલીલ કરી હતી કમાત્ર ખાતું ઓપરેટ કરી શકે એવા ખાતેધારક જ લાભાર્થી ઉમેરી શકે છે. અરજદારનું ખાતું ગેરકાયદે ઓપરેટ થવાનું કારણ અરજદાર તરફથી થયેલી  ચૂક  જવાબદાર છે. આથી બેન્ક તેના માટે જવાબદાર ઠરી શકે નહીં.કોર્ટે નોંધ કરી હતી કે સાઈબર સેલના અહેવાલો પરથી જણાય છે કે અરજદારો બેદરકાર રહ્યા નથી અને કથિત  ઠગ સાથે તેમનો કોઈ સંબંધ નથી. કોર્ટે જણાવ્યું હતું કે થર્ડ પાર્ટી દ્વારા બેન્ક અને અરજદાર બંને ઠગાઈનો ભોગ છે.

આરબીઆઈના પરિપત્રક અનુસાર અરજદાર રિફન્ડ માટે પાત્ર છે અને બેન્કે છ સપ્તાહમાં અરજદારના બેન્ક ખાતામાં ૭૬ લાખની રકમ જમા કરવાની રહેશે, એવો કોર્ટે આદેશ આપ્યો હતો.



Google NewsGoogle News