પુણેમાં પિઝાની ડિલિવરી મોડી થતાં ઉશ્કેરાયેલા ગ્રાહકનો ગોળીબાર
ડિલિવરી બોય તથા તેના સાથીઓને પણ ફટકાર્યા
હવામાં ગોળીબાર કરતાં કોઈને ઈજા નહીં ઃ ૨૭ વર્ષીય ગ્રાહક ચેતન પૌડવાલની ધરપકડ
પુણે: પુણેમાં પિઝાની ડિલિવરીમાં વિલંબ થતાં ગ્રાહકે ડિલિવરી બોય તથા બાદમાં આવેલા તેના સાથીઓ સાથે ઝઘડો કરી તેમના પર હુમલો કર્યો હતો. ભારે ઉશ્કેરાયેલા ગ્રાહકે પોતાની પિસ્તોલમાંથી હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ૨૭ વર્ષીય ગ્રાહકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ચેતન પૌડવાલે સોમાવારે રાતે વાઘોલી વિસ્તારના એક આઉટલેટ પરથી પિઝા મગાવ્યો હતો. રુષિકેશ અન્નાપૂર્વે નામના ડિલિવરી બોયના ભાગે આ પિઝાની ડિલીવરી આવી હતી. રુષિકેશ ચેતનના ઘરે પહોંચ્યો ત્યારે ચેતન તેના પર ઉશ્કેરાયો હતો અને પિઝા કેમ મોડો લાવ્યો તેમ કહી ભારે બોલાચાલી કરી તેના પર હુમલો કર્યો હતો.
બનાવની જાણ થતાં રુષિકેશના બે સાથી કર્મચારીઓ પણ ચેતનના ઘરે પહોંચ્યા હતા અને અમારા સહ કર્મચારી પર હુમલો કેમ કરો છો તેમ પૂછ્યું હતું. આ મુદ્દે મામલો બિચક્યો હતો અને ચેતને આ બંનેને પણ ફટકાર્યા હતા. આ ધમાલ વચ્ચે ચેતન બહાર પાર્ક કરેલી પોતાની એસયુવી તરફ દોડયો હતો અને તેમાંથી પિસ્તોલ કાઢી હવામાં ગોળીબાર કર્યોહ તો.
પિઝા આઉટલેટના કર્મચારીઓએ આ અંગે લોનીકાંદ પોલીસ મથકને જાણ કરી હતી. પોલીસે આઈપીસી ૩૦૮ ૩૨૩, ૫૦૪ સહિતની કલમો હેઠળ ચેતન સામે ગુનો દાખલ કીર તેની ધરપકડ કરી હતી.
ચેતને હવામાં ગોળીબાર કરતાં પિઝા આઉટલેટના કર્મચારીઓને ગોળી વાગી ન હતી. પરંતુ, તેની સોસાયટીમાં ઉપરના માળે રહેતા કોઈપણ વ્યક્તિને ગોળી વાગી શકે તેમ હતી એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ચેતન પાસે પિસ્તોલનું લાયસન્સ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.