બાબા સિદ્દીકીની હત્યાના 4 આરોપીને 25 ઓક્ટોબર સુધી કસ્ટડી લંબાવાઈ
હુમલાખોરોને રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં હાજર કરાયા
આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી અને ગોળ ગોળ ફેરવી રહ્યા છે તેવી પોલીસની કોર્ટમાં રજૂઆત
મુંબઈ : એનસીપીના નેતા અને માજી પ્રધાન બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં ચાર આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે ૨૫ ઓક્ટોબર સુધી લંબાવી છે.સિદ્દીકી પર બાંદરાના નિર્મલ નગર વિસ્તારમાં ૧૨ ઓક્ટોબરે રાત્રે ૯.૩૦ વાગ્યે ગોળીબાર કરવામાં આવ્યો હતો. લીલાવતી હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ કેસમાં હરિયાણાના રહેવાસી ગુરમૈલ બલજીત સિંહ (૨૩), ઉત્તર પ્રદેશના વતની ધર્મરાજ કશ્યપ (૨૧), હરીશ કુમાર નિશાદ (૨૬) અને પુણે સ્થિત પ્રવીણ લોણકર (૩૦)ને તેમના રિમાન્ડ પૂરા થતાં કિલ્લા કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વી. આર. પાટીલ સમક્ષ હાજર કરાયા હતા.
આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપતા હોવાનું જણાવીને પોલીસે રિમાન્ડ લંબાવવાની અરજી કરી હતી.
સરકારી પક્ષના જણાવ્યા અનુસાર સિંહ અને કશ્યપ તેમ જ ફરાર આરોપી શિવકુમાર ગૌતમે સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો, જ્યારે પ્રવીણ લોણકરના ભાઈ શુભામ જેલવાસ ભોગવી રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. તેણે અને ફરાર આરોપીઓએ ગોળીબારનું કાવતરું રચ્યું હતું અને હુમલાખોરોને શસ્ત્રો આપ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. નિસાદ પુણેમાં ભંગારનો વ્યવસાયી છે અને આ કામ માટે તેણે આર્થિક મદદ પહોંચાડી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.