ફળ બજારમાં સીતાફળનો માલ વધ્યો, ભાવમાં ઘટાડો
મુંબઇ : પોષક હવામાન ન હોવાને કારણે આ વર્ષે સીતાફળનો માલ બજારમાં મોડો દાખલ થયો છે. તેથી શરૃઆતમાં સીતાફળનાં ભાવ વધુ હતા, પરંતુ હાલમાં બેથી ત્રણ અઠવાડિયામાં બધે જ ઠેકાણે મોટા પ્રમાણમાં વરસાદ પડયો હોવાને કારણે સીતાફળનું ઉત્પાદન વધુ થયું છે. તેથી બજારમાં હાલમાં મોટી સંખ્યામાં સીતાફળ જોવા મળી રહ્યા છે.
વાશીના જથ્થાબંધ ફળ બજારમાં સોમવારે સીતાફળની રાજ્યભરમાંથી ૧૦૦ ગાડીઓ આવી હોવાની નોંધ થઈ છે. બજારમાં સીતાફળનો માલ વધુ આવવાને લીધે તેના ભાવ ઘટી ગયા છે. ઉત્તમ દરજ્જાનું સીતાફળ ૬૦થી ૭૦ રૃપિયા કિલોના ભાવે મળે છે. તે સિવાયના સીતાફળ ૨૦ રૃપિયા કિલોના ભાવે મળી રહ્યા છે.
હાલમાં બધે ઠેકાણે સારો વરસાદ પડયો છે. તેથી સીતાફળનું ઉત્પાદન વધ્યું છે. દર વર્ષે બજારમાં સીતાફળની સરેરાશ ૪૦ ગાડીઓ આવે છે, પરંતુ આ વર્ષે ૧૦૦ ગાડીઓ પહોંચી છે. તેથી બજારમાં બધે ઠેકાણે સીતાફળ દેખાઈ રહ્યા છે. બજારમાં ૭૦ સીતાફળ જ જોવા મળી રહ્યા છે. સીતાફળનો માલ દિવાળી સુધી આવો જ રહેશે. પરિણામે સીતાફળપ્રેમીઓ આ વર્ષે મોટા પ્રમાણમાં સીતાફળનો આસ્વાદ લઇ શકશે.