વર્ષના 1લાં દિવસે મુંબઈ સહિત રાજ્યના મંદિરોમાં ભાવિકોની ભીડ
શિર્ડી , ત્ર્યંબકેશ્વરમાં ખાસ વ્યવસ્થા
મુંબઈમાં સિદ્ધિવિનાયક, બાબુલનાથ, મહાલક્ષ્મી ખાતે લાંબી લાઈનો
મુંબઈ - નવા વર્ષની શરુઆત દેવદર્શન થકી કરવી એવું વિચારી તીર્થસ્થળોએ ફરવા નીકળેલાં લોકોની આજે મુંબઈ સહિત રાજ્યના અનેક મંદિરોમાં ભીડ જોવા મળી હતી. વહેલી પરોઢથી જ મંદિરોમાં લાંબી લાઈન અને ભાવિકોમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું હતું.
મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર, મહાલક્ષ્મી મંદિર, બાબુલનાથ મંદિર ઉપરાંત રાજ્યમાં કોલ્હાપુર સ્થિત અંબામાતાનું મંદિર, શિર્ડી સાઈ મંદિર, પુણેના દગડુશેઠ ગણપતિ, પંઢરપુરના વિઠ્ઠલ મંદિર સહિત અન્ય ઘણાં મંદિરોમાં આજે સવારથી ભાવિકોએ દર્શનાર્થે ભીડ જમાવી હતી.
શિર્ડીમાં સાઈ બાબા મંદિર તા. ૩૧મીએ આખી રાત ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ત્ર્યંબકેશ્વરમાં લોકોની ભીડને જોતાં વીવીઆઈપી દર્શનની સવલત બંધ કરી દેવામાં આવી હતી.
ઘણાં ભાવિકો તેમના પરિવાર સાથે દર્શનાર્થે નીકળી પડયા હોવાથી પણ મંદિરોમાં ભીડ જામી હતી.
રાજ્યની સાડાત્રણ શક્તિપીઠોમાંની એક કોલ્હાપુર સ્થિત કરવીર નિવાસિની અંબાબાઈના મંદિરે નવા વર્ષના પહેલાં દિવસે ભાવિકોનો ધોધ વહ્યો હતો. નવરાત્રીમાં અહીં જે ભીડ જોવા મળતી હોય છે, તેવી જ ભીડ નવા વર્ષના પ્રથમ દિવસે પણ જણાઈ હતી. પરિણામે અહીંની તમામ હૉટેલ્સ, ધર્મશાળાઓ હાઉસફૂલ થઈ ગઈ હતી.