હોર્ડિંગ લગાડનારા ભાવેશ ભીંડેનો ક્રિમિનલ રેકોર્ડ : રેપ સહિત અનેક ગુના
એડ કંપનીનો માલિક વિધાનસભાની ચૂંટણી પણ લડયો હતો
મુલુંડનો રહીશ ભાવેશ મોબાઈલ સ્વીચ ઓફ કરીને ગાયબઃ એક કંપની બ્લેકલિસ્ટ થાય તો અન્ય કંપની ઊભી કરી હચોર્ડિંગના કોન્ટ્રાક્ટ મેળવતો હતો
મુંબઈ : ઘાટકોપરમાં કિલર હોર્ડિંગની ઘટના માટે જવાબદાર કંપનીના માલિક ભાવેશ ભીંડે તેની સામે કેસ નોંધાયા બાદ ગાયબ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના માલિક ભાવેશ સામે બળાત્કાર સહિત ઘણા ગંભીર ગુના પણ નોંધાયેલા હતા. આ સિવાય અગાઉ તેની એક કંપની અનેક કેસ બાદ બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ આરોપી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે. પોલીસે ફરાર ભાવેશને પકડવા ઝીણવટભરી તપાસ હાથધરી હતી.
ઘાટકોપરના ગઈકાલે સાંજે હોર્ડિંગ પડી જતા ૧૪ના મોત નિપજ્યા અને ૭૪ લોકો ઘાયલ હતા. પંતગનર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગઈકાલે રાતે સદોષ મનુષ્ય વધ અને અન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ ભાવેશ ભીંડે નાસી ગયો હતો.
પોલીસની ટીમ સોમવારે રાતે મુલુંડના તેના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. પરંતુ ભાવેશ મળ્યો નહોતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો. પોલીસની જુદી જુદી ટીમ આરોપીની શોધખોળ કરી રહી હતી.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં મુલુંડ પોલીસે સ્ટેશનમાં ભાવેશ સામે બળાત્કારનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. રેપ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
મુલુંડમાં વર્ષ ૨૦૦૯માં તેણે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ તેમાં પરાજય થયો હતો. દરમિયાન ભીંડે દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ ત્યારે તેની સામે ૨૩ કેસ નોંધાયેલા હતા.
ચેક બાઉન્સ, રેલવેએ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (બીએમસી)ના હોર્ડિંગ અને બેનરો લગાડવાના નિયમોનું ઉલ્લંઘન બદલ ગુના દાખલ હતા. બીએમસી દ્વારા તેની સામે વૃક્ષને ઝેર આપવાનો કેસ પણ નોંધાયેલો હતો.
અગાઉ તે ગુજુ એડ્રસ નામની કંપની ચલાતો હતો. તેની કંપની સામે અનેક કેસ નોંધાયા બાદ બીએમસી દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
ત્યારબાદ તેણે ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડ નામથી નવી કંપની શરૃ કરી હોર્ડિંગ અને બિલબોર્ડ્સ માટે કોન્ટ્રાક્ટ મેળવવા લાગ્યો હતો.
લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી મોટા હોર્ડિંગનો રેકોર્ડ
ઘાટકોપરમાં અનધિકૃત હોર્ડિંગ લગાડવાને લઈને જુદા જુદા આરોપ થઈ રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે સોમવારે ધરાશાયી થયેલ કિલર હોર્ડિંગની અગાઉ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં 'સૌથી મોટા હોર્ડિંગ' હોવાની ગણના કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આરોપી ભાવેશ ભીંડેની કંપની દ્વારા ૪૦ બાય ૪૦ ચો.ફુટના બદલે ૧૨૦ બાય ૧૨૦ ચો.ફૂટનું હોર્ડિંગ જરૃરી પરવાનગી લીધા વિના ગોરકાયદેસર રીતે લગાડવામાં આવ્યું હતું.
આ હોર્ડિંગમાં એડ લાગે તે કંપનીઓ એશિયાના સૌથી મોટાં હોર્ડિંગ પર અમારી એડ છે તેવો પ્રચાર પણ કરતી હતી. આ હોર્ડિંગ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેવી રીતે ઝળુંબતું હતું તેના ફોટા પણ વાયરલ થયા છે.