ઉર્ફી જાવેદેધરપકડનો ફેક વીડિયો બનાવતાં ગુનો દાખલઃ નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
ઉર્ફી જાવેદેધરપકડનો ફેક વીડિયો બનાવતાં ગુનો દાખલઃ નકલી ઈન્સ્પેક્ટરની ધરપકડ 1 - image


સસ્તી પબ્લિસિટી ખાટવા બનાવાયેલા વીડિયો બાદ હવે અસલી ધરપકડ થશે

બોલ્ડ કપડાં માટે  ધરપકડ થઈ છે તેવો દેખાવ ઊભો કર્યો હતોઃ પોલીસ તંત્રનું નામ ખોટી રીતે વટાવવા બદલ મુંબઈ પોલીસની આકરી કાર્યવાહીઃ ઉર્ફી સહિત ચાર સામે ગુનો દાખલ

મુંબઈ ફેશન અને બોલ્ડનેસના નામે ચિત્રવિચિત્ર, કઢંગા અને ક્યારેક તો સદંતર અશ્લીલ કપડાં પહેરીને મુંબઈની સડકો પર ફરતી અને સોશિયલ મીડિયાના સહારે સસ્તી પબ્લિસિટી ખાટતી રહેલી ઉર્ફી જાવેદને આ વખતે પબ્લિસિટી માટેનો એક સ્ટન્ટ ભારે પડી ગયો છે. ઉર્ફીએ બોલ્ડ કપડાં પહેરવા બદલ જાણે તેની ધરપકડ થઈ હોય તેવો એક નકલી વીડિયો બનાવડાવ્યો હતો. આ વીડિયોમાં મહારાષ્ટ્ર પોલીસનું નામ ખોટી રીતે વટાવવા બદલ મુંબઈ પોલીસે હવે ખરેખર ઉર્ફી સહિત તેના ચાર સાથીઓ સામે ગુનો દાખલ કરતાં હવે કદાચ ઉર્ફીની અસલી ધરપકડ થવાની શક્યતા  સર્જાઈ છે. 

ઉર્ફી અતિશય ભદ્દા અને અશ્લીલ વસ્ત્રો પહેરીને જાહેરમાં ફરે છે તેથી તેની સામે જાહેરમાં અશ્લીલતાનો કેસ થવો જોઈએ તેવી માગણી વારંવાર થઈ ચૂકી છે .ઉર્ફીએ આ માગણીઓના આધારે જ તુક્કો લડાવ્યો હતો અને એક વીડિયો બનાવડાવ્યો હતો. આ વીડિયોમાં દેખાડાયું હતું કે એક કોફ શોપમાં ગયેલી ઉર્ફીને શોધતી બે મહિલા પોલીસ કર્મચારીઓ ત્યાં આવી પહોંચે છે. તે લોકો ઉર્ફીને જાહેરમાં અશ્લીલ અને બોલ્ડ કપડાં પહેરવા બદલ ધરપકડ કરીને લઈ જાય છે. આ સમયે ઉર્ફી અપસેટ થઈને મહિલા પોલીસ સાથે દલીલો કરવા પ્રયાસ કરે છે પણ પોલીસ તેની વાત સાંભળ્યા વિના તેને વાહનમાં બેસાડીને રવાના થઈ જાય છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેટલાક લોકોએ તેને સાચો માની લીધો હતો અને તેમાં પણ કેટલાકે તો ઉર્ફીની તરફેણ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો કે કોઈ સ્ત્રી પોતાની મરજી પ્રમાણે ઈચ્છે તેવાં કપડાં પહેરે તેમાં શું બોલ્ડ છે અને શું અશ્લીલ છે તે નક્કી કરવાનો હક્ક પોલીસને ન હોવો જોઈએ. 

બીજી તરફ, આ વીડિયોમાં મુંબઈ પોલીસ, ખાખી યુનિફોર્મ, મહારાષ્ટ્ર પોલીસના લોગો વગેરેનો ઉપયોગ થયો હોવાથી અને આ વીડિયો ફેક છે તેવી પણ કોઈ સ્પષ્ટતા ન કરાઈ હોવાથી મુંબઈ પોલીસે આખી વાતને ગંભીરતાથી લીધી હતી. મુંબઈના ઓશીવારા પોલીસ મથકે ઉર્ફી જાવેદ સહિત અન્ય ચાર સામે  બનાવટ, બદનક્ષી  તથા જાહેર સેવકનો ખોટી રીતે સ્વાંગ રચવા  સંબંધિત આઈપીસી ૧૭૧, ૫૦૦, ૪૧૯, ૩૪ હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વીડિયોમાં નકલી ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવનારી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને વીડિયોમાં દર્શાવાયેલું વાહન પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. 

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ સસ્તી પબ્લિસિટી માટે દેશના કાયદાનો ભંગ કરી શકે નહીં.



Google NewsGoogle News