તસ્કરના એન્કાઉન્ટર કેસમાં 2 પોલીસ જવાન સામે ગુનો દાખલ
પાલઘરમાં 2018માં એન્કાઉન્ટર થયું હતું
બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની કાર્યવાહી, નકલી એન્કાઉન્ટર હોવાનો પરિવારજનોનો આક્ષેપ
મુંબઈ : ચોરીના અનેક કેસોમાં વોન્ટેડ આરોપી જોગીન્દર રાણાના ૨૦૧૮માં કથિત નકલી એન્કાઉન્ટરના મામલામાં બે પોલીસકર્મીઓ સામે હત્યા, પુરાવા ગાયબ કરવા અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર એફઆઈઆર નોંધવામાં આવી છે,એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.
બોમ્બે હાઈકોર્ટે ઘટનાની તપાસ માટે થાણે પોલીસ કમિશનરની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ આપ્યાના બે અઠવાડિયા પછી બુધવારે કેસ નોંધવામાં આવ્યો હતો.
હાઈકોર્ટે ચાર અઠવાડિયામાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
કોર્ટે જોગીન્દર રાણાના ભાઈ સુરેન્દ્ર રાણા દ્વારા દાખલ કરેલી અરજીમાં આ આદેશ આપ્યો હતો.તેણે દાવો કર્યો હતો કે કથિત નકલી એન્કાઉન્ટર પોલીસ કોન્સ્ટેબલ મનોજ સકપાળ અને હેડ પોલીસ કોન્સ્ટેબલ મંગેશ ચવ્હાણ દ્વારા કરવામાં આવ્યું હતું. પાલઘર જિલ્લાના નાલ્લાસોપારા ખાતે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ સાથે બંને જોડાયેલા હતા.
અગાઉની સુનાવણી દરમિયાન પાલઘરના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો હતો કે આરોપી જોગીન્દર રાણાએ પોલીસ પર પ્રથમ હુમલો કર્યો હતો.
એફિડેવિટ મુજબ, ૨૩ જુલાઈ,૨૦૧૮ના રોજ ચવ્હાણ અને સકપાળ પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. ત્યારે તેમણે જોગીન્દરને જોયો હતો.બંનેએ જોગીન્દરને અટકાવ્યો હતો.પરંતુ તેણે તેની ચાકુ કાઢી તેમના પર હુમલો કરવાનું શરૃ કર્યું હતું.આથી
જવાબમાં ચવ્હાણે જોગીન્દર પર બે રાઉન્ડ ફાયર કર્યા હતા.તે ગંભીરપણે જખમી થયો હતો.તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત ચવ્હાણ અને સકપાળને તબીબી સારવાર માટે નાલાસોપારા વિસ્તારમાં તુળીજ ખાતેની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,એમ પોલીસે જણાવ્યું હતું.
મૃતકના ભાઈ સુરેન્દ્ર રાણાના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે આ ઘટના દરમિયાન અને પછી સાક્ષીઓએ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને વિડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી હતી. જે દર્શાવે છે કે પોલીસે મૃતકનું બનાવટીએન્કાઉન્ટર કર્યું હતું.
માનેએ કહ્યું હતું કે સુરેન્દ્ર રાણાએ મહારાષ્ટ્ર સરકાર તેમજ વરિ પોલીસ અધિકારીઓને એફઆઈઆરની નોંધણી માટે રજૂઆતો કરી હતી.
કોર્ટના આદેશ બાદ તુળીજ પોલીસે બુધવારે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા), ૧૨૦-બી (ગુનાહિત કાવતરું),૨૦૧(ગુનાના પુરાવા ગાયબ કરવા અથવા ખોટી માહિતી આપવી),૩૮૬,૩૪ અને આર્મ્સ એક્ટની હેઠળ એફઆઈ આર નોંધી છે,એમ અધિકારીએ જણાવ્યું હતું.