મહિલાઓ સામેના ગુનાને ગંભીરતાથી લઈ પ્રાધાન્યતા અપાય છેઃ પોલીસ કમિશનર
હાઈકોર્ટે કેસની તપાસમાં ગંભીર ક્ષતિની લીધેલી નોંધ
એકાદ કેસને આધારે સમગ્ર પોલીસ ખાતા વિશે તારણ નહીં કાઢવાની સોગંદનામામાં કોર્ટને વિનંતી કરાઈ
મુંબઈ: મહિલાઓ સામેના કેસમાં નબળી તપાસ બદલ બોમ્બે હાઈકોર્ટ દ્વારા થતી સતત ટીકાના જવાબમાં મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે દરેકે દરેક કેસને ગંભીરતાથી લેવામાં આવે છે અને મહિલા સામેના ગુનાને પ્રાધાન્યતા આપવામાં આવે છે.
પોલીસ દળ મહિલાઓ સામેના કેસને ગંભીરતાથી લેતી નથી એવું તારણ નહીં કાઢવાની પોલીસ કમિશનર વિવેક ફાંસળકરે સોગંદનામામાં કોર્ટને વિનંતી કરી હતી.
વિનયભંગના આરોપસર દિંડોશી પોલીસે ૨૨ માર્ચ ૨૦૨૩ના રોજ નોંધેલી એફઆઈઆર રદ કરવાની દાદ માગતી નિખિલ વેંગુર્લેકરે કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે પહેલી ઓગસ્ટે આપેલા આદેશના જવાબમાં સોગંદનામું દાખલ કરાયું હતું. આરોપીએ પીડિતાને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને તેના કપડા ફાડયા હતા. અરજીની સુનાવણીમાં કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અધિકારીએ ફાટેલા કપડા જપ્ત કર્યા નહોતા.જજે આદેશમાં નોંધ્યું હતું કે આ બાબત તપાસમાં મૂળભૂત ક્ષતિ છે.
પ્રથમદર્શી એવું જણાય છે કે આ કેસની તપાસ રાજ્ય પ્રશાસન દ્વારા કરાતા દાવા અનુસાર થઈ હોવાનું જણાતું નથી. પ્રશાસન દાવા કરે છે કે મહિલા સામેના કેસને ગંભીરતાથી જોવામાં આવે છે અને ત્વરિત તપાસ કરવામાં આવે છેે, એમ જજે નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે ફાંસળકરને સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો હતો.
ફાંસળકરે સોગંદનામામાં જણાવ્યું હતું કે એક તપાસ અધિકારી તરફથી થયેલી બેદરકારીની ખાતાકીય તપાસ કરવામાં આવેશે. કોર્ટ વધુ સુનાવણી ટૂંક સમયમાં કરશે.