શિવાજીની પ્રતિમા બનાવનારા કોન્ટ્રાક્ટર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સામે ગુનો

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
શિવાજીની પ્રતિમા બનાવનારા કોન્ટ્રાક્ટર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર સામે ગુનો 1 - image


સદોષ માનવવધ, છેતરપિંડી સહિતની કલમો હેઠળ પીડબલ્યૂની  ફરિયાદ

 પ્રતિમામાં કાટ ખાઈ ગયેલા   નટબોલ્ટને લીધે જોખમ હોવાનું ધ્યાન  દોરાયું હોવાનો પીડબલ્યૂ ડીનો દાવોઃ ગઈ 20મી ઓગસ્ટે જ ચેતવણી અપાઈ હતી

મુંબઇ  - મહારાષ્ટ્રના સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર આઠ મહિના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની ૩૫ ફૂટ ઉંચી પ્રતિમા તૂટી પડવાના સંબંધમાં કોન્ટ્રાકટર અને સ્ટ્રકચરલ કન્સલ્ટન્ટ વિરૃદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે નૌકાદળ દિવસે (૪ ડિસેમ્બર)ના સિંધુદુર્ગના માલવણ તાલુકામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મૂશળધાર વરસાદ અને સૂસવાટાભર્યા પવન વચ્ચે ગઇકાલે બપોરે એક વાગ્યે પ્રતિમા તૂટી પડી હતી.

આ ઘટનાએ એકનાથ શિંદેની આગેવાની હેટળની રાજ્ય સરકાર માટે શરમજનક સ્થિતિ સર્જી  છે.  વિરોધ પક્ષો દ્વારા પસ્તાશ પાડવામાં આવતાં શિંદેએ એવો બચાવ કર્યો છે કે આ પ્રતિમાની ડિઝાન તથા નિર્માણ નૌકાદળ  દ્વારા કરાયાં હતાં અને સરકાર તેમાં કોઈ રીતે સંકળાયેલી નથી. 

પછી સોમવારે મોડી સાંજે માલવણ પોલીસ સ્ટેશનમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી)ના આસિસ્ટન એન્જિનિયર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ કર્તાના આરોપ મુજબ પ્રતિમા તૂટી પડવા માટે કોન્ટ્રાકટર જયદીપ આપ્ટે અને સ્ટ્રકચરલ કન્સ્લટન્ટ ચેતન પાટીલ જવાબદાર હતા. આમ તેની ફરિયાદના આધારે બંને સામે ભારતીય  ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરાયા છે. એમાં  સદોષ મનુષ્ય વધનો પ્રયાસ, અન્યના જીવને જોખમમાં મૂકવા, હત્યાનો પ્રયાસ, છેતરપિંડી જેવી કલમ લગાડવામાં આવી હોવાનું કહેવાય છે.

સ્થાનિક નાગરિકો અને પર્યટકોએ અગાઉ આ પ્રતિમાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ૨૦ ઓગસ્ટના માલવણના જાહેર બાંધકામ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર દ્વારા આપવામાં આવેલી ચેતવણી સામે કોઇ જરૃરી પગલાં લેવામાં આવ્યા નહતા.

આ બાબતે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે પ્રતિમાના કામ માટે કાટલાગેલા  નટ-બોલ્ટના ઉપયોગના લીધે જોખમ ઉભુ થયું હતું, ચેતવણીઓને પણ અવગણવામાં આવી હતી.

પ્રતિમા બનાવવામાં  વપરાયેલા સ્ટીલ પર કાટ લાગેલો હતો. જાહેર બાંધકામ વિભાગે પ્રતિમાને કાટ લાગવા અંગે નૌકાદળના અધિકારીઓને જાણ કરી હતી, આ સંદર્ભે  પગલાં ભરવાની પણ વિનંતી કરી હતી, એમ સિંધુદુર્ગના પાલકપ્રધાન રવિન્દ્ર ચવ્હાણે જણાવ્યું હતું.

આ પ્રતિમા કોણે બનાવી તે અંગે ગઇકાલે આખો દિવસ જાતજાતની ચર્ચા ચાલી  હતી. જાહેર બાંધકામ વિભાગે પ્રતિમા ઉભી કરી હોવાનો દાવો કર્યા બાદ  ઠાકરે જૂથના ધારાસભ્ય વૈભવ નાઇકે તેમના કાર્યકરો સાથે માલવણમાં પીડબ્લ્યુડીની ઓફિસમાં તોડફોડ કરી હતી. જોકે રાજ્યસરકારે દાવો કર્યો હતો કે આ પ્રતિમાની જવાબદારી  નેવીની છે.

પાલક પ્રધાન રવિન્દ્ર ચવ્હાણે દાવો કર્યો હતો કે  પ્રતિમાની સમગ્ર કામગીરી અને જાળવણીની જવાબદારી નેવીની છે.



Google NewsGoogle News