પોતાના જ ખાતામાં 46 લાખની લાંચ લેનારા 3 આરટીઓ અધિકારીઓ સામે ગુનો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
પોતાના જ ખાતામાં 46 લાખની લાંચ લેનારા 3 આરટીઓ અધિકારીઓ સામે ગુનો 1 - image


સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ 'તોડપાણી'

ઈન્ટરસેપ્ટર વાહનોની કમિટીના સભ્યોએ એસેસરીઝ પુરી પાડવાના નામે ભ્રષ્ટાચાર આચર્યો

મુંબઈ :  એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ બુધવારે મહારાષ્ટ્રની વિવિધ આરટીઓ ઓફિસના અધિકારીઓને ઈન્ટરસેપ્ટર વાહનોનું વિતરણ કરવા માટે કથિત રીતે લાંચ લેવા બદ્દલ ત્રણ મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટર સામે ગુનો નોંધ્યો છે. 

આ સંદર્ભે એસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં કામ કરતા આરોપી અધિકારીઓએ મહારાષ્ટ્રના દરેક જિલ્લાના પ્રાદેશિક પરિવહન કચેરીઓ પાસેથી કથિત રીતે વાહન દીઠ ૨૫ હજાર રૃપિયા વસૂલ્યા હતા. આ કેસમાં હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર મુંબઈ ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં કામ કરતા મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટર પરિક્ષિત પાટીલ. સંતોષ કાથાર અને ધનરાજ શિંદે આ ત્રણેય આરોપી અધિકારીઓ રોડ સેફ્ટી ફંડમાંથી ખરીદવામાં આવેલ ૧૮૭ ઈન્સ્પેક્ટર સ્કોર્પિયો ક્લાસિક વાહનો ખરીદવા માટે રચાયેલી સમિતિના સભ્યો હતા. બાદમાં આ લોકોને આ વાહનોનું વિતરણ મહારાષ્ટ્રની વિવિધ આરટીઓ કચેરીમાં વિતરિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જુલાઈ મહિના બાદ વાહનોનું વિતરણ શરૃ કરવામાં આવ્યું હતું પણ આ ત્રણેય આરોપીઓએ સાધન સામગ્રી પુરી પાડવાના નામે વાહનદીઠ રૃા. ૨૫ હજાર વસૂલ્યા હતા. આ રીતે આરોપીઓએ કથિત રીતે ૪૬.૭૫ લાખનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.

આ બાબતે અમરાવતી જિલ્લામાં તૈનાત એક મોટર વેહિક્લ ઈન્સ્પેક્ટરે તેમની વિરુદ્ધ ફરિયાદ સાથે એસીબીનો સંપર્ક કર્યો હતો. પ્રારંભિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ત્રણેય શખ્સોએ વાહનોની એસેસરીઝ આપવાના નામે આ પૈસા વસૂલ્યા હતા. 

આ વાતની ખરાઈ થયા બાદ એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News