અનેક રાજ્યોમાં નકલી દવા સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ, બે રાજ્યોમાંથી પકડાયા આરોપીઓ
Mumbai News | નાગપુર ગ્રામીણ પોલીસે નકલી દવાઓના વિતરણમાં સંડોવાયેલા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પકડેલા ત્રણમાંથી એક વિજય શૈલેન્દ્ર ચૌધરીની થાણે જિલ્લાના મીરારોડથી જ્યારે રમણ અને રોબીન તનેજાની ઉત્તર પ્રદેશના સહારનપુરથી ધરપકડ કરી હતી.
નકલી દવા સપ્લાય કરવાનું આ રેકેટ સમગ્ર મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને હરીયાણા સુધી ફેલાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બાબતે વધુ વિગત આપતા પોલીસે જમાવ્યું હતું કે આરોપીઓએ 'લેબ એવરટચ બાયો રેમેડીસ' અને મેસર્સ જીંકસ ફાર્માકોન એલએલપી જેવી બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીઓના બ્રાન્ડ-નેમ હેઠળ સિપ્રોફલોક્સેસીન, લેવોફલોકસેસીન, એમાક્સિલિન, સિફિકઝાઇમ અને એઝિથ્રોમાયસીન જેવી પ્રિસ્ક્રાઇબ્ડ મેડિસિનની નકલી આવૃત્તિઓ માર્કેટમાં સપ્લાય કરી હતી.
આ ટોળકી કથિત રીતે ચૌધરીના વ્યવસાય, કેભીસ જેનરિક હાઉસ દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી અને શેલ અથવા નિષ્ક્રિય કંપનીઓ સાથે સંબંધિત બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ લોકોએ 15 કરોડથી વધુની કમાણી કરી હતી. નકલી દવાઓનું વેચાણ પ્રથમ વખત ગયા ડિસેમ્બર મહિનામાં પ્રકાશમાં આવ્યું હતું જ્યારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને નાગપુર નજીકના કલમેશ્વરમાં એક સંસ્થામાં ઉપલબ્ધ સિપ્રોફલોક્સેસીનની ગોળીઓનું પરીક્ષણ કર્યું હતું અને તે નકલી હોવાનું જણાયું હતું.