ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના જામીન રદ કરવા કોર્ટનો ઈનકાર
3 વર્ષ પહેલાં કોમેડિયન દંપતી પાસેથી ડ્રગ મળવાનો કેસ
દંપતીની જામીન અરજીની સુનાવણી થઈ ત્યારે એનસીબી વતી હાજરીની તસ્દી લેવાઈ ન હતી કે સુનાવણી મુલત્વી રાખવા પણ કહ્યું ન હતું
મુંબઈ : ટીવી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબચિયાને અપાયેલા જામીન રદ કરવાનો વિશેષ એનડીપીએસ કોર્ટે ઈનકાર કર્યો હતો. મેજિસ્ટ્રેટેે આપેલા જામીન આદેશમા ંકોઈ ગેરકાયદે બાબત નહોવાનું અને સરકારી પક્ષનો વાંક હોવાનું કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. ડ્રગ કેસમાં જેલમાંથી મુક્ત થયાના ત્રણ વર્ષ બાદ આ આદેશ અપાયો હતો.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ વિશેષ કોર્ટમાં ૨૦૨૦માં અરજી કરીને મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલી રાહત રદ કરવાની દાદ માગી હતી. એનસીબી કે તપાસ એજન્સીના સરકારી વકિલ કોર્ટ સમક્ષ જામીન અરજી પર દલીલ કરવા હાજર નહીં રહેતાં આ રાહત અપાઈ હતી.
વિશેષ કોર્ટે નોંધ્યું હતું કે આ પ્રકરણ અરજી કર્યાના બીજા દિવસે રખાયું ત્યારે એજન્સી કોર્ટમાં આવી નહોતી. સરકારી પક્ષે જામીન અરજીનો જવાબ નોંધ્યો નહીં કે અરજીની સુનાવણી મોકૂફ રાખવાની પણ માગણી કરી નહોતી. આથી સરકારી પક્ષનો વાંક છે.
આરોપીઓ સામે ન્યાયપ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો હોય કે તેમને અપાયેલી રાહતનો દુરુપયોગ કર્યો હોવાનો કોઈ આરોપ નથી. આથી તેમને અપાયેલા જામીન રદ કરવાનું કોઈ કારણ નથી, એમ કોર્ટે નોંધીને અરજી ફગાવી હતી.
નવેમ્બર ૨૦૨૦માં ૮૬.૫ ગ્રામ ગાંજો દંપતીના ઘર અને ઓફિસમાંથી મળ્યો હતો. ઓક્ટોબર ૨૦૨૨માં એનસીબીએ આરોપનામું નોંધાવીને માફીના સાક્ષીદાર બાંદરાના સગીતકાર સ્વામિનારાયણન (૨૩)નું નિવેદન સામેલ કર્યું હતું.