મોડલ પર બળાત્કારના આરોપી નિર્માતા ગુણવંત જૈનને સરન્ડરનો કોર્ટનો આદેશ
ફિલ્મ નિર્માતાને જામીનનો નીચલી કોર્ટનો ઓર્ડર સેશન્સ કોર્ટે પલ્ટાવ્યો
અજય દેવગણની સન ઓફ સરદાર ટૂમાં રોલ અપાવવાના નામે મોડલને કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો છ પતિને વાંધાજનક વીડિયો મોકલ્યો
મુંબઈ -મુંબઈની એક સેશન્સ કોર્ટે એક મોડલ પર બળાત્કાર ગુજારવાના આરોપી ફિલ્મ નિર્માતા ગુણવંત જૈનને શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉ ગુણવંત જૈનની ધરપકડમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયુ ંનથી તેમ જણાવી નીચલી અદાલતે તેને જામીન આપ્યા હતા.
જોકે,દિંડોશી કોર્ટના સેશન્સ જજ ડી. જી. ધોબલેએ ગઈ તા. ૨૪મી ડિસેમ્બરે એક આદેશ આપી નીચલી કોર્ટનો આદેશ પલટાવ્યો છે અને જૈનને તત્કાળ સંબંધિત પોલીસ મથકે હાજર થવા જણાવ્યું છે. જો જૈન હાજર ન થાય તો પોલીસ અધિકારી જૈનની ધરપકડ કરી શકશે એમ પણ અદાલતે જણાવ્યું છે.
અદાલતે પોલીસને ગુણવંત જૈન સરન્ડર થાય કે તેની ધરપકડ કરાય તે દિવસથી પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂરી કર્યા છે.
અગાઉ પોલીસે આ કેસમાં જૈનની ધરપકડ કરી હતી. પરંતુ, ગત તા. ૨૨મીએ એક મેજિસ્ટ્રેટ કોર્ટે ધરપકડની પ્રક્રિયાનું યોગ્ય પાલન નહિ થયું હોવાનું જણાવી ગુણવંત જૈનને જામીન આપી દીધા હતા.
વારંવાર જાતીય શોષણ, પતિને વીડિયો મોકલ્યો
ગુણવંત જૈન સામે એક મોડલનું જાતીય શોષણ કરવાની ફરિયાદ થઈ હતી. વર્સોવા પોલીસમાં થયેલી ફરિયાદ અનુસાર આરોપી ગુણવંત તારાચંદ જૈન ઉર્ફે નિકેશ માધાનીએ ે ફિલ્મ 'સન ઓફ સરદાર ટૂમાં અભિનેતા અજય દેવગનના પાત્રની બહેન તરીકે કાસ્ટ કરવાનું વચન આપ્યું હતું. સ્ક્રીન ટેસ્ટ અને ફોટોશૂટ માટે મોડલને બોલાવી તેણે કથિત રીતે તેને ડ્રગ્સ ધરાવતું કોલ્ડ ડ્રિંક પીવડાવ્યું હતું, જેના કારણ મોડલ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ માધાનીએ કથિત રૃપે તેના પર બળાત્કાર કર્યો હતો અને આ કૃત્ય તેના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યું હતું.
ફરિયાદમાં આરોપ અનુસાર ગુણવંત જૈને અનેકવાર તેનું જાતીય શોષણ કર્યું હતું. મોડલે વાંધો ઉઠાવ્યો ત્યારે ગુણવંતે તેનો એક વાંધાજનક વીડિયો તેના પતિને મોકલી દીધો હતો. જેના કારણે મોડલ અને પતિ અલગ થઈ ગયાં હતાં. આખરે પીડિતાએ આ શોષણથી ત્રાસી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.