વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ સામે એફઆઇઆર નોંધવા કોર્ટનો આદેશ
Mumbai News | બે સમાજ વચ્ચે વૈમન્સય વધે તેવા ઉશ્કેરણીજનક નિવેદન કરવાના આરોપ હેઠળ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ સામે એફઆઇઆર નોંધાવવા પોલીસને થાણેની એક કોર્ટે નિર્દેશ આપ્યા છે.
આવ્હાડે કેટલાક વર્ષો અગાઉ નિવેદન આપ્યું હતું. સમાજના વિવિધ જૂથો વચ્ચે કડવાશ ઉભી થાય તેવા નિવેદન સામે આઇપીસીના વિવિધ સેક્શન હેઠળ એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા આવ્હાડ સામે એફઆઇઆર નોંધવા ભાયંદર પોલીસને થાણે જ્યુડિસિયલ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ જજ મહિમા સૈનીએ આદેશ આપ્યો હતો.
આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરીને કોર્ટને આપવા કોર્ટે પોલીસને નિર્દેશ આપ્યા હતા. વર્ષ 2018માં આવ્હાડે કથિત ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ભાષણનો વીડિયો વોટસએપ પર મુકાયો હતો. મુંબઇ પોલીસના એટીએસએ વૈભવ રાઉતની ધરપકડ કરી હતી તે અંગે આવ્હાડે કથિત ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. આવ્હાડે કથિત રીતે દાવો કર્યો હતો કે રાઉત પાસેથી મળેલા બોમ્બ મરાઠા મોરચાની એક રેલીને ખોરવવા માટે લાવવામાં આવ્યા હતા. મરાઠા અને ભંડારી સમાજ વચ્ચે તણાવ ઉભો થાય તેવા નિવેદનો કથિત રીતે કર્યા હતા. સમાચારની વિવિધ ચેનલો પર આ નિવેદનોનું પ્રસારણ થયું હતું તેવું કહેવામાં આવે છે.
આવ્હાડ સામે ફોજદારી કેસ કરવા હિંદુસ્તાન નેશનલ પાર્ટીની યુવાપાંખના રાષ્ટ્રીય પ્રમુખ અને એડવોકેટ ખુશ ખંડેલવાલે અરજી કરી હતી. આવ્હાડ હાલમાં મુંબ્રા- કલવા મતવિસ્તારના વિધાનસભ્ય છે.
આવ્હાડે કરેલા નિવેદનો પાયાવિહોણા હતા અને સમાજના વિવિધ જૂથ વચ્ચે મતભેદ ઉભા કરે તેવા નિવેદનો આવ્હાડે કર્યા હતા તેવી દલીલ ખંડેલવાલે કરી હતી. આ મામલામાં ભાયંદર પોલીસ પાસેથી ખંડેલવાલને સંતોષકારક પ્રભિવા મળ્યો ન હતો. આ મામલામાં પોલીસ તપાસ કરાવવા અને એફઆઇઆર નોંધવા નિર્દેશ આપે તેવી વિનંતી કરતી અરજી ફરિયાદીએ થાણેની ટ્રાયલ કોર્ટ સમક્ષ કરી હતી.
આ મામલાને રાજકીય સ્વરૃપ આપવાનો પ્રયત્ન અરજદાર કરી રહ્યા છે અને તેમણે આવ્હાડના નિવેદનો અંગે ગેરસમજ કરી હતી તેવો દાવો આવ્હાડના એડવોકેટે કર્યો હતો. કોર્ટને અરજીમાં વજુદ લાગ્યું હતું. કોર્ટે અવલોકન કર્યું હતું કે આઇપીસીના સેક્શન 153 એ અને 505 (2) લાગી શકે તેવા નિવેદનો કરાયા હતા તેવું પ્રથમદર્શીય રીતે લાગી રહ્યું છે.
કોર્ટે કહ્યું કે જે ગુનાઓ અંગે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે તે કોગ્નીઝેબલ છે આથી એફઆઇઆર નોંધવાની છુટ આપી શકાય તેવો કેસ છે.