ગોલ્ડ સ્કીમમાં શિલ્પા અને રાજ કુન્દ્રા દ્વારા ચીટિંગના આક્ષેપની તપાસનો કોર્ટનો આદેશ
શિલ્પા અને રાજ સામે ઠગાઈનો પ્રથમદર્શી કેસ બનતો હોવાની કોર્ટની નોંધ
90 લાખના બદલામાં અઢી કરોડનું સોનું આપ્યું નહિ તેને બદલે 5 વર્ષે ફક્ત મૂળ રોકાણનો જ ચેક આપ્યા હોવાનો આરોપ
મુંબઈ : જ્વેલરીના વેપારી સાથે ઠગાઈ કરવા સંબંધી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા સામે પ્રથમદર્શી દખલપાત્ર ગુનો બને છે એમ મુંબઈની સેશન્સ કોર્ટે બુધવારે ચુકાદામાં જણાવ્યું હતું.
ન્યા. મહેતાએ સંબંધીત બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસને વેપારી પૃથ્વીરાજ સારેમાલ કોઠારીએ કરેલી ફરિયાદમાં કરેલા આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોઈ દખલપાત્ર ગુનો જણાય તો પોલીસ તેમની સામે ભારતીય દંડ સંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ (એમપીઆઈડી) કાયદાની સબંધીત કલમો હઠળ એફઆઈઆર નોંધી શકે છે, એમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ સત્યુગ ગોલ્ડ પ્રા. લિ. નામની કંપની સ્થાપી હતી. કોઠારીના વકિલોએ દલીલ કરી હતી કે ૨૦૧૪માં બંનેએ એક યોજના ચાલુ કરી હતી જેમાં કોઈ રોકાણ કરવા માગતું હોય તો તેણે યોજનામાં અરજી કરવા સમયે રાહતના દરે સોનાની સંપૂર્ણ ચૂકવણી કરવાની રહેશે અને મુદત પૂરી થવા પર સોનાની નક્કી થયેલી માત્રા પહોંચતી કરવામાં આવશે.
કોઠારીના વકિલે દલીલ કરી હતી કે આવ ીયોજનામાં સ્પષ્ટ જણાય છે કે સોનું સંબંધીત રોકાણકારને બજારમાં ચાલતા ભાવને ધ્યાનમાં લીધા વિના સોનું પહોંચતું કરાશેે જે પોતે જ દર્શાવે છે કે આવી બાંયધરી કે ગેરેન્ટીને આધારે આકર્ષક યોજના તૈયાર કરાઈ હતી. યોજનાની છેલ્લી લાઈનમાં આ વાતનો ઉલ્લેખ છે. શિલ્પા અને રાજે કથિત રીતે કોઠારીને મળીને સયમસર સોનાની ડિલિવરીની ખાતરી આપી હતી.
કોઠારીએ રૃ. ૯૦ લાખ રોક્યા હતા જેના માટે ૨૪ કેરેટનું ૫૦૦૦ ગ્રામ સોનું તેને બીજી એપ્રિલ ૨૦૧૯ના પાંચ વર્ષ પૂરા થવા પર ડિલીવર કરવાનું હતું પછી એ વખતે સોનાની કોઈ પણ કિંમત ચાલતી હોય. જોકે પાંચ વર્ષ બાદ તેને કોઈ સોનું આપવામાં આવ્યું નહોતું.
શિલ્પા અને રાજે ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ની તારીખનો રૃ. ૯૦ લાખનો પોસ્ટ ડેટેડ ચેક મોકલાવ્યો હતો. જે માત્ર પ્રિન્સિપલ રકમ હતી, એવો આરોપ કોઠારીએ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો દંપતીએ તેમના શબ્દો પાળ્યા હોત તો ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ૫૦૦૦ ગ્રામ ૨૪ કેરેટ સોનું ૪,૫૦૦ પ્રતિ ગ્રામના હિસાબે ૨.૭૫ કરોડનું થતું હોત.
ફરિયાદીના વકિલે દલીલ કરી હતી ક દંપતી અને કંપનીના ડિરેક્ટરોએ છેતરપિંડીથી બદઈરાદાપૂર્વક ઠગાઈ કરવાના ઈરાદે કોઠારીએ આપેલી પ્રિન્સિપલ રકમ જ મોકલવાનું પસંદ કર્યું હતું.
બીકેસી પોલીસમાં કોઠારીએ ફરિયાદ કરી હતી પણ પોલીસે તેમની સામે કેસ નોંધ્યો નહોવાથી કોર્ટની દાદ માગવામાં આવી હતી. શિલ્પા અને રાજ કે અન્ય ડિરેક્ટરો વતી કોર્ટમાં કોઈ હાજર નહોતું.