મોબાઈલ ટોર્ચ દ્વારા પ્રસૂતિ બાદ માતા, બાળકના મૃત્યુમાં પાલિકાને કોર્ટની નોટિસ
ભાંડુપની પાલિકા હોસ્પિટલની કથિત બેદરકારીનો કેસ
લિફ્ટ બંધ હોવા છતાં ધબકારા બંધ અને રક્તસ્રાવની હાલતમાં મહિલાને સરકારી હોસ્પિટલ ખસેડી જ્યાં મૃત ઘોષિત કરાઈ
મુંબઈ : ભાંડુપની મેટર્નિટી હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાના અભાવની નોંધ કરીને બોમ્બે હાઈ કોર્ટે મુંબઈ મહાનગર પાલિકાને નોટિસ જારી કરી છે. આ હોસ્પિટલની ઓથોરિટીની કથિત બેદરકારીને કારણે માતા અને નવજાત બાળક મૃત્યુ પામ્યા હતા.
ભાંડુપની સુષમા સ્વરાજ મેટર્નિટી હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃતક પર મોબાઈલ ટોર્ચની મદદ લઈને ઓપરેશન કર્યું હતું કેમ કે હોસ્પિટલમાં બનાવના દિવસે એપ્રિલ ૨૦૦૨૩માં લાઈટ નહોતી, એમ વરિષ્ઠ વકિલ ગાયત્રી સિંહે કોર્ટને જાણકારી આપી હતી. પાલિકા હોસ્પિટલોમાં કેવી અવસ્થા છે? દરેક હોસ્પિટલમાં મૂળભૂત સુવિધા હોવી જોઈએ એવું અમને લાગે છે અને તે ફરજિયાત છે. આથી અમે પાલિકાને નોટિસ જારી કરીએ છીએ, એમ ન્યા. મોહિતે ઢેરેએ જણાવ્યું હતું.
સિંહે કોર્ટને જણાવ્યું હતું કે તેની અસીલની પુત્રી શાહીદુનીસા શેખને પલંગ અપાયો નહોતો અને વોર્ડમાં પ્રતીક્ષા કરવા જણાવાયું હતું. લાઈટ નહોવાથી અને જનરેટરની સુવિધા પણ નહોવાથી ડોક્ટરે તેના પર મોબાઈલ ટોર્ચ વડે ઓપરેશન કર્યું હતું. ડિલીવરી બાદ તેનું બાળક તરત મૃત્યુ પામ્યું અને મૃતકને પણ કોઈ ધબકારા નહોતા થતા તેમ છતાં તેને સરકારી સાયન હોસ્પિટલ અડધી રાત્રે કોઈ સુવિધા વિનાની એમ્બ્યુલન્સમાં મોકલાવાઈ હતી.
હોસ્પિટલની લિફ્ટ પણ બંધ હતી આથી મૃતકને દાદરા મારફત નીચે લવાઈ હતી એવામાં તેને સખત રક્તસ્રાવ થતો હતો. સાયન હોસ્પિટલ પહોંચતાં જ તેને મૃત ઘોષિત કરાઈ હતી. પરિવારે અનેક દોડધામ કરવા છતાં બંને હોસ્પિટલોએ મૃતકના તબીબી રેકોર્ડ આપ્યા નહોતા. આથી પરિવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જજોએ નોંધ કરી હતી કે ઈન્ડિયન મેડિકલ કાઉનસિલ (આઈએમસી)ની નિયમાવલી અનુસાર હોસ્પિટલોએ દરદીન કે તેના પરિવાર અથવા કનૂની ઓથોરિટીને ૭૨ કલાક માં તબીબી રેકોર્ડ સુપરત કરવાનું અવાશ્યક છે.જો હોસ્પિટલ આઈએમસીના નિયમ પાળતી નહોય તો શિસ્તની તપાસ થવી જોઈએ.
આ કેસમાં આઈએમસી શું પગલાં લેશે એ અમે જાણવા માગીએ છીએ એમ જણાવીને આઈએમસીને પણ પક્ષકાર બનાવવા અને નોટિસ આપવા જજે જણાવ્યું હતું. કોર્ટે તબીબી બેદરકારી બાબતે ભાંડુપ પોલીસ દ્વારા કરાઈ રહેલી તપાસનું નિરીક્ષણ કરવા ઝોનલ ડીસીપીને પણ જણાવ્યું છે. બે સપ્તાહ બાદ સુનાવણી થશે.