Get The App

મેહુલ ચોકસીની ગીતાંજલી જૂથની સંપતિના લીલામની કોર્ટ દ્વારા મંજૂરી

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
મેહુલ ચોકસીની ગીતાંજલી જૂથની સંપતિના લીલામની કોર્ટ દ્વારા મંજૂરી 1 - image


પીએનબી સાથે રૃા. ૧૩ હજાર કરોડની છેતરપિંડીનો કેસ

ચોકસીની માલિકીના રહેણાંક ફ્લેટો, કમર્શિયલ યુનિટો તેમજ ઓફિસ યુનિટો  તથા સુરતની શોપનું લીલામ થશ

મુંબઈ -  ગુરુવારે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ (પીએમએલએ) હેઠળના કેસો માટેની વિશેષ કોર્ટે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના રૃા ૧૩,૮૫૦ કરોડ છેતરપિંડી કૌભાંડના મુખ્ય આરોપીઓ પૈકી ભાગેડુ ડાયમંડ વેપારી મેહુલ ચોકસી દ્વારા પ્રમોટ કરાયેલ અને હાલ બંધ થઈ ચુકેલી જ્વેલરી કંપની ગીતાંજલી જૂથની માલિકીની અનેક રહેણાંક અને કમર્શિયલ પ્રીમાઈસીસના લીલામની મંજૂરી આપી દીધી છે. 

મિલકતમાં સાંતાક્રુઝમાં ખેની ટાવરમાં સાત રહેણાંક ફ્લેટ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારત ડાયમંડ બૂર્સમાં એક કમર્શિયલ યુનિટ અને પંદર ઓફિસ યુનિટ તેમજ સુરતના ડાયમંડ પાર્કમાં એક દુકાન સામેલ છે.

વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ને યોગ્ય મૂલ્યાંકન પછી બિન-આરક્ષિત મિલકતોના લીલામની સૂચના આપી છે. બિન-આરક્ષિત મિલકતો એવી હોય છે જે લેણદારોને કોલેટરલ તરીકે ગીરવે મુકવામાં નથી આવતી.

વિશેષ અદાલતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચોકસીની માલિકીની બિન-આરક્ષિત મિલકતોના મૂલ્યાંકનની મંજૂરી આપી દીધી હતી. રૃા. ૧૨૫ કરોડના મૂલ્ય સહિત ગીતાંજલી જૂથની અનેક મિલકતો લીલામ માટે અગાઉ લિક્વિડેટરને સોંપી દેવામાં આવી છે.

તાજેતરમાં લિક્વિડેટરે કંપનીની બિન-આરક્ષિત મિલકતોનું મૂલ્યાંકન માગ્યું હતું. ઈડીએ સ્પષ્ટતા કરી કે તેને બિન-આરક્ષિત મિલકતોના મૂલ્યાંકન અને લીલામ સામે કોઈ વાંધો નથી.

નિષ્ક્રિય રહેલી મિલકતોની કિંમત જાળવણીના અભાવે ઘટી શકે તેવી નોંધ પછી કોર્ટે લિક્વિડેટરની અરજી સ્વીકારી હતી. વેચાણમાંથી ઉપજેલી રકમ મૂલ્યાંકન અને લીલામની પ્રક્રિયાના તમામ ખર્ચ બાદ કર્યા પછી ફિક્સ ડીપોઝિટમાં જમા કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈડી ૧૫ ફેબુ્રઆરી, ૨૦૧૮ના રોજ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર પર આધારીત મની લોન્ડરીંગ માટે ગીતાંજલી જૂથ, ચોકસી અને અન્યો સામે તપાસ કરી રહી છે. ચોકસીએ કથિત રીતે ૨૦૧૪ અને ૨૦૧૭ દરમ્યાન લેટર્સ ઓફ અન્ડરટેકિંગ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ છેતરપિંડી દ્વારા મેળવવા તેના સહયોગીઓ અને પીએનબીના અધિકારીઓ સાથે ષડયંત્ર રચ્યું હતું જેના પરિણામે જાહેર ક્ષેત્રની આ બેંકને રૃા. ૭,૦૮૦.૮૬ કરોડનું નુકસાન થયું હતું.

ચોકસી દ્વારા સંચાલિત કંપનીઓએ કથિત રીતે ૩૨ બેંકોના એક જૂથ પાસે લોનનો લાભ લીધો હતો. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ તેમની બાકી રકમ રૃા. ૫,૦૯૯.૭૪ કરોડ જેટલી હતી.

પીએનબી કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી રહેલા ચોકસીના ભાગેડુ ભાણિયા હીરાના વેપાર નિરવ મોદીએ પણ જાહેર ક્ષેત્રની બેંક સાથે રૃા. ૬,૮૦૫.૨૪ કરોડની કથિત છેતરપિંડી કરી હતી.



Google NewsGoogle News