85 કરોડની છેંતરપિંડીનું આરોપી દંપતિ સુરતથી ઝડપાયું
- ફ્રિઝ કરાયેલાં 11 બેન્ક ખાતાંમાં 145 કરોડ જમા
- આશિષ મહેતા તથા તેની પત્ની શિવાંગીએ શેર ટ્રેડિંગમાં નફાની લાલચ આપી 166 લોકો સાથે ઠગાઈ કરીઃ 18 કરોડની સંપત્તિ પણ જપ્ત
મુંબઈ : શેર ટ્રેડીંગને નામે રોકાણકારો સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી આચરનાર દંપતિને તાજેતરમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ગુજરાતના સુરતથી પકડી પાડયું હતું. પકડાયેલા આ આશિષ મહેતા (૪૧) અને તેની પત્ની શિવાંગી લાડ મહેતા (૩૮)એ ૧૬૬ રોકાણકારો સાથે ૮૫ કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે જોકે આ રકમ ખૂબ જ મોચી હોવાની શંકા પોલીસને છે કારણ કે પોલીસે આરોપીના ૧૧ બેન્ક ખાતા ફ્રીઝ કર્યા હતા જેમાં ૧૪૫ કરોડ જમા હતા. આ ઉપરાંત પોલીસે આરોપીની પશ્ચિમી પરામાં અમુક સંપત્તિઓ પણ જપ્ત કરી છે જેની કુલ કિંમત રૃ.૧૮.૫ કરોડ થાય છે.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર આરોપી ંહેતા દંપતિએ બ્લીસ કન્સ્લટન્ટ નામે શેર ટ્રેડિંગ કંપની શરૃ કરી લોકોને શેર ટ્રેડિંગ અને પૈસાના રોકાણ માટે એક એપ ઈન્સ્ટોલ કરવાનું જણાવ્યું હતું. દંપતિએ રોકાણકારોને દર મહિને ૨.૫ ટકાના નફાની પણ લાલચ આપી હતી. ઈન્વેસ્ટરો તેમના રોકાણ અને પ્રોફિટની વિગ ા એપ પર જોઈ શકતા હતા.
આરોપીઓએ રોકાણકારોને તેમના રૃપિયા શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરી પ્રોફિટ આપશે તેવું જણાવ્યું હતું. આ લોકોએ રોકાણકારોને પ્રોફિટના ૭૦ ચકા આપશે અને ૩૦ ટકા તેમની કંપનીમાં જમા થશે તેવી સ્પષ્ટતા કરી હતી. શરૃઆતમાં રોકાણ પર પ્રોફિકટ આપ્યા બાદ પ્રોફિટ વળતર સાથે જ આરોપીઓએ મૂળ રકમ આપવાનું બંધ કરી દીધું હતું. તેથી બન્ને સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આરોપીઓએ ત્યારબાદ તેમના ફોન પણ સ્વીચ-ઓફ કરી દીધા હતા. પોલીસે ટેકિનકલ વિગતો અને ગુપ્ત માહિતીને આધારે દંપતિને સુરતની એક હોટલમાંથી પકડી પાડયું હતું. આ બન્નેને કોર્ટમાં હાજર કરવામાં આવતા ૪ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ છેતરપિંડી પ્રકરણે ઉમેશ શેટ્ટી અને વિર્લેપાર્લે વિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા શેટ્ટીએ અંબોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી કારણ કે તેમણે પણ રોકાણ કર્યું હતું અને અમુક રકમ ગુમાવી હતી. ત્યારબાદ ઘણાં રોકાણકારો સામે આવ્યા હતા અને કરોડોની છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. અંતે આર્થિક ગુના શાખાની ટીમે દંપતિને સુરતથી પકડી પાડયું હતું.