જીએસટીમાં ભ્રષ્ટાચારઃ 20 કરોડના ટેક્સની પતાવટ માટે 1 કરોડની લાંચ માગી

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
જીએસટીમાં ભ્રષ્ટાચારઃ 20 કરોડના ટેક્સની પતાવટ માટે 1 કરોડની લાંચ માગી 1 - image


લાંચિયા અધિકારીઓ સામે એસીબીએ કેસ દાખલ કર્યો

કંપનીમાં દરોડા પાડયા બાદ 20 કરોડની બાકી રકમ દર્શાવી, પતાવટ  માટે 1 કરોડની લાંચની વ્હોટસ એપ દ્વારા માગણી

મુંબઇ :સ્ટેટ ટેક્સના આસિસ્ટન્ટ કમિશનર અને મહારાષ્ટ્ર જીએસટી વિભાગના અન્ય અધિકારીઓ સામે એક કંપનીના ડાયરેક્ટર પાસેથી ટેક્સની બાકીની રકમની પતાવટ કરવા માટે રૃા. એક કરોડની લાંચ માગવા બદલ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કેસ નોંધ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એસીબીએ ગત બીજી ફેબુ્રઆરીએ સ્ટેટ ટેક્સ (ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ)ના આસિસ્ટન્ટ કમિશનર અર્જુન સૂર્યવંશી અને અન્ય ઓફિસર સામે ભ્રષ્ટાચાર સંબંધિત કલમ સાત  હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 

સ્ટેટ ટેક્સની ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે  સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર અને ચીફ વિજીલન્સ ઓફિસરે મહારાષ્ટ્રના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (એસીબી)ને પત્ર લખવામાં આવ્યા બાદ એફઆઇઆર નોંધવામાં આવી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ મામલાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સૂર્યવંશી અને તેમની ટીમે ગયા વર્ષે પાંચ જુલાઇથી સાત ઓગસ્ટની વચ્ચે એક કંપની પર દરોડા પાડયા હતા. આ કંપની પાસે રૃા. ૨૦ કરોડથી વધુનો ટેક્સ બાકી હતી. કંપનીના ડાયરેક્ટરે વારંવાર ધ્યાન દોરવા છતાં બાકીનો ટેક્સ ચૂકવ્યો નહતો. જેના પગલે જીએસટી વિભાગના અધિકારીઓએ તેમની ઓફિસ અને નિવાસસ્થાને તપાસ હાથધરી હતી. ૨૧ ઓગસ્ટના સૂર્યવંશીએ કથિત રીતે કંપનીના ડાયરેક્ટરને વોટસએપ મેસેજ મોકલી ટેક્સ મામલે સમાધાન કરવા માટે રૃા. એક કરોડની માગણી કરી હતી.

બીજી તરફ તપાસ દરમિયાન લાંચની માગણીની પુષ્ટિ થઇ હતી. પછી એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ ચાલી રહી છે, એમ અધિકારીએ વધુમાં કહ્યું હતું.



Google NewsGoogle News