મહારાષ્ટ્રમાં છેલ્લા 10 મહિનામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં છેલ્લા 10 મહિનામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો 1 - image


રાબેતા મુજબ મહેસૂલ-પોલીસમાં મહત્તમ કેસો

પંચાયત સમિતિ, વીજ વિતરણ અને શિક્ષણ વિભાગમાં પણ ભ્રષ્ટાચારના કેસોની સંખ્યા વધી

મુંબઈ :  મહારાષ્ટ્ર એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી)માં ે જાન્યુઆરીથી ઓક્ટોબર ૨૦૨૩ સુધી પાછલાં વર્ષની સરખામણીએ ભષ્ટાચારના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લાંચના છટકાંમાં અને અપ્રમાણસર મિલકતના કેસો મળીને  આશરે આઠ કરોડની રકમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. 

૧લી જાન્યુઆરીથી ૪ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી એસીબીએ છટકાના કુલ ૬૪૦ કેસ નોંધ્યા હતા જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૫૬૮ કેસ થયા હતા. વધુમાં એસીબીએ અપ્રમાણસર મિલકત સંબંધિત આઠ કેસ અને ત્રણ અન્ય ભષ્ટાચાર સંબંધિત કેસ શરૃ કર્યા છે.

છટકાના કેસમાં ધરપકડ કરાયેલી વ્યક્તિઓની સંખ્યા ગયા વર્ષની ૮૦૫થી વધીને ૮૯૨ થઈ છે. નોંધનીય છે કે આ વર્ષે ભ્રષ્ટાચારના કેસોમાં દોષી પૂરવાર થયેલા સરકારી કર્મચારીઓ પૈકી ૪૨ પહેલા વર્ગના છે, ૧૧૧ બીજા વર્ગના, ૪૭૮ ત્રીજા વર્ગના અને ૩૪ ચોથા વર્ગના અધિકારીઓ છે.

આંકડાનો બારીકાઈથી અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે સૌથી વધુ મહેસૂલ અને પોલીસ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલા છે.

ખાસ કરીને રેવેન્યુ-લેન્ડ રેકોર્ડ વિભાગમાં સૌથી વધુ ૧૬૬ છટકા સંબંધિત કેસ હતા. તેના પછી પોલીસ વિભાગમાં ૧૧૨ લાંચના કેસ હતા. પંચાયત સમિતિ વિભાગ, રાજ્ય વીજ વિતરણ કંપની વિભાગ અને શિક્ષણ વિભાગ જેવા અન્ય વિભાગોમાં પણ ભ્રષ્ટાચારના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો.

ઉપરાંત એસીબીએ અપ્રમાણસર મિલકતના આઠ કેસ ઉજાગર કર્યા હતા અને ૧૫ વ્યક્તિઓ પાસેથી રૃા. ૪.૭૩ કરોડની મિલકત જપ્ત કરી હતી.

આઠ ઝોનલ ડિવિઝનો પૈકી નાશિકમાં સૌથી વધુ ૧૩૦, પુણેમાં ૧૧૨ અને ઔરંગાબાદમાં ૧૦૯ કેસ થયા હતા જ્યારે થાણે, અમરાવતી અને નાગપુરમાં અનુક્રમે ૮૨, ૬૯ અને ૬૩ કેસ થયા હતા જ્યારે મુંબઈ ઝોનમાં માત્ર ૨૬ કેસ નોંધાયા હતા. 

ભ્રષ્ટ ગતિવિધિઓની જાણકારી સરળતાથી આપી શકાય તેના માટે એસીબીએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૦૬૪ શરૃ કર્યો છે.



Google NewsGoogle News