Get The App

કોરોના વાઇરસ ત્રણ દિવસમાં જ નર્વસ સિસ્ટમને અસર કરે છેઃ અભ્યાસ

- કોરોના નર્વસ સિસ્ટમને અસર કરતાં પેરેલિસીસ થઇ શકે

- કરોડરજ્જુ અને મગજ પર કોરોનાની અસર થાય તો યાદદાસ્ત પર અસર પડે

Updated: Jun 15th, 2020


Google NewsGoogle News
કોરોના વાઇરસ ત્રણ દિવસમાં જ નર્વસ સિસ્ટમને અસર કરે છેઃ અભ્યાસ 1 - image


નવી દિલ્હી, તા. 14 જૂન 2020, રવિવાર

૫૦ કરતાં વધારે અભ્યાસોનું પુનરવલોકન કરતાં જણાયું છે કે કોરોના વાઇરસ ચેતાતંત્રના તમામ સ્તરને અસર કરે છે અને તેને કારણે કોરોનાનો ચેપ ધરાવતાં દર્દીને પેરેલિસીસ, આંચકી અને સ્નાયુઓનો દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે. કેટલાક કોવિડના દર્દીઓમાં હળવા લક્ષણો વરતાય છે જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, ધ્યાન ન રહેવું અને સ્વાદ અને ગંધનો અનુભવ ન થવો. ભારતે પણ કોરોનાના લક્ષણોમાં સ્વાદ અને ગંધનો અનુભવ ન થવોનો ઉમેરો કર્યો છે. 

એનલ્સ ઓફ ન્યુરોલોજી નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ ત્રણ દિવસમાં જ ચેતાતંત્ર પર અસર કરે છે. ત્રણ રીતે કોરોનાના દર્દીઓના ચેતાતંત્ર પર અસર થાય છે. એક, સીધો જ વાઇરસ ચેતાતંત્રને અસર કરે. બે,  પેરેલિસીસ જેવી મેડિકલ મુસીબતમાં અને ત્રણ કોરોનાના ચેપમાંથી સાજા થયા બાદ થતાં ચેતાતંત્રના રોગ જેમ કે ગુલિઅન માર સિન્ડ્રોમને કારણે પણ ચેતાતંત્ર પર અસર થાય છે. 

કોરોના વાઇરસને કારણે થતાં અન્ય રોગોમાં સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-સાર્સ અને મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ- મેર્સનો સમાવેશ થાય છે. આ બે વાઇરસની અસર ૧૦,૫૦૦ જણાં પર થઇ હતી. આ બંને રોગમાં પણ ન્યુરોલોજિકલ લક્ષણો વરતાય છે. 

આ અભ્યાસનો રિવ્યુ કરનાર યુનિવસટી ઓફ હૈદરાબાદના પ્રોફેસર ડો. રમેશ કે. મિશ્રાએ જણાવ્યું હતું કે ઇટાલીમાં હાલ ચાલી રહેલાં સંખ્યાબંધ અભ્યાસોમાં જણાયું છે કે આ વાઇરસ પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે સંવેદના વિષયક સિસ્ટમને પણ અસર કરે છે. પણ જે દર્દીઓમાં પેરિફેરલ નર્વસ સિસ્ટમ નબળી હોય તેમનામાં વાઇરસ મેઇન નર્વસ સિસ્ટમ એટલે કે કરોડરજ્જુ અને મગજને અસર કરે છે. જેના પગલે તેમની વિચારવાની ક્ષમતા અને યાદદાસ્ત પર પણ અસર થાય છે.

યુનિવસટીમાં સેન્ટર ફોર ન્યુરલ એન્ડ કોગ્નિટિવ સાયન્સીઝના વડા તરીકે ફરજ બજાવતાં મિશ્રાએ ઉમેર્યું હતું કે વુહાનમાં કરવામાં આવેલાં એક અભ્યાસમાં જણાયું હતું કે ત્રણ હોસ્પિટલોના ૨૧૪ કોવિડ દર્દીઓમાંથી ૩૬ ટકાની નર્વસ સિસ્ટમને અસર થઇ હોવાના લક્ષણો જણાયા હતા. ભારતમાં પણ ચેન્નાઇ અને દિલ્હીમાં આવા કેસો નોંધાયા છે. 

દિલ્હીની લેડી હાડન્જ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગના વડા ડો. રાજિન્દર કે. ધામિજાએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસ માણસમાં એસીઇ રિસેપ્ટર્સને લોક કરી કોષમાં પ્રવેશે છે. આ એસીઇ રિસેપ્ટર્સ મગજ અને રક્તનલિકાઓમાં પણ હોય છે. કોરોના એસીઇ લોક કરે કે તરત જ એન્ડોથેલીટીસ એટલે કે ધમનીની આંતરિક દિવાલ પર બળતરાં થાય છે. આને કારણે રક્ત ગંઠાઇ જતાં પેરેલિસીસનો સ્ટ્રોક આવી શકે છે તેમ ધામિજાએ જણાવ્યું હતું. 


Google NewsGoogle News