કારોનાના ડંખથી યુવા પેઢીમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું : તબીબો ચિંતામાં
લાંબા સમય સુધી ઘરમાં રહેવાથી શારીરિક પ્રવૃત્તિ ઓછી થઇ ગઇ : જીમમાં જતાં યુવાનોને પ્રોટીન સપ્લિમેન્ટના પ્રમાણની જાણ નથી હોતી
મુંબઇ : કોરોનાની મહામારીને કારણે સમસ્ત માનવજાતના આરોગ્ય સામે ગંભીર જોખમ સર્જાયું છે. હાલ કોરોનાની મહામારીની અસર ઘણા અંશે આછી થઇ ગઇ હોવા છતાં ભારતમાં હૃદય રોગના હુમલાના કેસમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે.
ચિંતાજનક બાબત તો એ છે કે હૃદય રોગના હુમલાના કેસ યુવાનોમાં વધુ નોંધાઇ રહ્યા છે.
મુંબઇના હૃદય રોગના જાણીતા તબીબે એમ કહ્યું હતું કે છેલ્લા થોડા મહિનામાં કસરત કરતા, ડાન્સ કરતા અને વહેલી સવારે દોડવા જતાં યુવક કે યુવતીઓ અચાનક જ ઢળી પડે છે.બેહોશ થઇ જાય છે અને હૃદય રોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થાય છે. કોરોનાની મહામારીના સમય દરમિયાન મોટાભાગનાં લોકો તેમના ઘરમાં રહ્યાં હતાં. તેમની નોકરી, વ્યવસાય વગેરેની રોજબરોજની પ્રવૃત્તિ સાવ જ અટકી ગઇ હતી. એટલે કે તમામ લોકોની શારીરિક પ્રવૃત્તિ અટકી ગઇ હોવાથી તન-મનમાં ઉર્જા, ચેતના, આહારનું પાચન, પૂરતી ઉંઘ, શરીરનાં તમામ અંગોને કસરત વગેરે પરિબળોને વિપરીત અસર થઇ હતી. પરિણામે ઘણાં લોકોનાં શરીર અશક્ત બની ગયાં હોવાથી હૃદય રોગની ઘટનાઓ બની હોય તે સ્વાભાવિક છે.
હૃદય રોગના અન્ય એક નિષ્ણાત તબીબે એવો અભિપ્રાય આપ્યો હતો કે વિશ્વના અન્ય દેશોનાં માનવીઓનાં હૃદયની સરખામણીએ આપણા ભારતીયોનાં હૃદય ૧૦ વર્ષ વધુ વૃદ્ધ થઇ ગયાં છે. હાલના તબક્કે ભારતમાં હૃદય રોગનાં લગભગ છ(૬) કરોડ દરદીઓ છે. ઉપરાંત, હૃદય રોગને કારણે દર વરસે આશરે ૨૫ લાખ ભારતીયો મૃત્યુ પામે છે. હૃદયની ધમનીઓમાં ૭૦ ટકા બ્લોકેજ(ધમનીઓમાં લોહીનો પ્રવાહ સરળતાથી ન વહે અને અવરોધ સર્જાય તેને બ્લોકેજ કહેવાય) થાય ત્યારે હૃદયની કુદરતી સરળ કામગીરીમાં પણ અવરોધ સર્જાય જેને તબીબી ભાષામાં એન્જિના કહેવાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિને હૃદયમાં બળતરા થવી, ભારેપણું લાગવું, દુઃખાવો થવો, શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં મુશ્કેલી થવી વગેરે લક્ષણો જોવા મળે છે.
આવાં લક્ષણો દરમિયાન હૃદયને મળતો રકત પ્રવાહ સંપૂર્ણપણે અટકી જાય ત્યારે હૃદય રોગનો હુમલો આવે, જેને હાર્ટ એટેક કહેવાય છે. જોકે ૨૫ ટકા વ્યક્તિઓને આવાં લક્ષણો ન હોવા છતાં તેમનું હૃદય કાર્ય કરતું અટકી જાય છે, જેને સાઇલેન્ટ હાર્ટ એટેક કહેવાય છે.
જીમમાં જતાં યુવક - યુવતીઓ પ્રોટીન સપ્લિમેન્ટ લેતાં હોય છે. જોકે જીમના ટ્રેઇનરને પ્રોટીન સપ્લિમેન્ટના નિશ્ચિત પ્રમાણ વિશે કોઇ સાચી માહિતી કે જ્ઞાાન નહીં હોવાથી પેલાં યુવક-યુવતીના આરોગ્ય પર અવળી અસર થાય છે. ઉપરાંત, ઘણી વખત વધુ પડતી કસરત કે ભારે વજનનાં સાધનોનો ઉપયોગ પણ નુકસાનકારક બને છે.