Get The App

મુંબઈના વિકાસ માટે કેન્દ્ર, રાજ્ય, પાલિકાનું સંકલન અનિવાર્યઃ પીએમ મોદી

Updated: Jan 19th, 2023


Google NewsGoogle News
મુંબઈના વિકાસ માટે કેન્દ્ર, રાજ્ય, પાલિકાનું સંકલન અનિવાર્યઃ પીએમ મોદી 1 - image


મુંબઈ મહાનગર પાલિકાની આગામી ચૂંટણી માટે  વડાપ્રધાને પ્રચારની દાંડી પીટી

મહાપાલિકાને ફાળવાતાં નાણાંના સમુચિત ઉપયોગ માટે સંકલન જરુરીઃ મેટ્રો, સીએસટી , રસ્તાઓના કોંક્રિટાઈઝેશન સહિત ૩૮ હજાર કરોડના પ્રોજેક્ટને  લીલીઝંડી

મુંબઈ, :  મુંબઈના વિકાસ માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાનું સંકલન જરૃરી છે એવું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચારનો આજે પ્રારંભ કર્યો હતો. તેમણે મુંબઈમાં બે નવી  મેટ્રો લાઈનનાં ઉદ્ધઘાટન, ઐતિહાસિક સીએસએમટી સ્ટેશનનું રિડેવલપમેન્ટ, વન નેશન મોબોલિટી કાર્ડના આરંભ, હોસ્પિટલો તથા દવાખાનાઓનાં પ્રોજેક્ટ, સમગ્ર મુંબઈના ૪૦૦ કિમીના  રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવાના  પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના ૩૮૦૦૦ કરોડના કામોને લીલી ઝંડી આપતી વખતે આ પ્રમાણે જણાવ્યું હતું. 

બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાને  કેન્દ્ર અને રાજ્યમાં હવે એક જ પક્ષની સરકાર હોવાથી વેગીલાં બનેલાં વિકાસ કાર્યોનો હવાલો આપવાની સાથે સાથે એમ કહ્યું હતું કે હવે મહાનગરોના વિકાસ માટે ક્ષમતા કે રાજકીય મનોબળના અભાવની સ્થિતિ નથી. પરંતુ, મુંબઈ જેવાં શહેરમાં જ્યાં સુધી સ્થાનિક સ્વરાજયની સંસ્થામાં પણ વિકાસનો વેગ ના સર્જાય ત્યાં સુધી મહા વિકાસ સર્જાઈ શકે નહીં. આથી મુંબઈના વિકાસમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ભૂમિકા બહુ મહત્વની છે. મહાનગરને થતાં નાણાંની ફાળવણીનો સમુચિત ઉપયોગ જરૃરી છે. ૩૫ લાખ ફેરિયાઓને લોનની સ્વનીધિ સ્કીમ ભૂતકાળમાં રાજકીય કારણોસર અટવાઈ ગઈ હતી. આવું ના  થાય તે માટે કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થા વચ્ચે આદર્શ સંકલન જરૃરી છે. 

વડાપ્રધાને જણાવ્યું હતું આ તમામ પ્રોજેક્ટસ મુંબઈને એક બહેતર મહાનગર બનાવવા માટે બહુ અગત્યના રહેશે. તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી પહેલીવાર ભારત પહેલીવાર સપનાં સાકાર કરવાનું સાહસ દાખવી રહ્યું છે.  ભૂતકાળમાં માત્ર ગરીબીની જ વાતો થતી હતી અને વિશ્વ પાસેથી મદદની આશા રાખવામાં આવતી હતી. હવે પહેલીવાર દુનિયા ભારતના મક્કમ નિર્ધારને નિહાળી રહી છે. ભારત માટે વિશ્વ એક નવો આશાવાદ સેવી રહ્યું છે  કારણ કે હવે દુનિયાને અહેસાસ થયો છે કે ભારત પોતાના સપનાં સાકાર કરવા માટે પોતાન તમામ ક્ષમતા કામે લગાડી શકે છે. આજનું ભારત અભૂતપૂર્વ વિશ્વાસથી છલોછલ થતું ભારત છે. આ માટે ભારત છત્રપતિ શિવાજી  મહારાજ પાસેથી પ્રેરણા મેળવી રહ્યું છે. સુરાજ અને સ્વરાજની ભાવના ડબલ એન્જિન સરકારમાં પ્રતીત થઈ રહી છે. 

વડાપ્રધાને જણાવ્યું હતું કે આવાસ, શોચાલય, વીજળી, પાણી, રાંધણ ગેસ વિના મૂલ્યે તબીબી સારવાર, મેડિકલ કોલેજીસ, એઈમ્સ, આઈઆઈટી અને આઈઆઈએમ નું વિસ્તરણ થઈ રહ્યું છે તો તેની સાથે સાથે આધુનિક  પરિવહનને પણ નવો વેગ સાંપડયો છે. આજની જરૃરિયાતો તથા આવતીકાલની સંભાવનાઓ એમ બંને દિશામાં આગેકૂચ જારી છે. વિકસીત ભારતનો ખ્યાલ પ્રતિબિંબિત થઈ રહ્યો છે. 

તેમણે કહ્યું હતું કે આઝાદીના અમૃતકાળમાં મહારાષ્ટ્રના અનેક શહેરો ભારતના વિકાસના વાહક બનશે. આથી જ મુંબઈને ભવિષ્ય માટે સુસજ્જ કરવું એ ડબલ એન્જિન સરકારની એક મહત્વની અગ્રતા છે. તેમણે ઉદાહરણ  આપતાં કહ્યું હતું કે મુંબઇમાં ૨૦૧૪માં માત્ર ૧૦-૧૧ કિમીની મેટ્રો લાઈન હતી પરંતુ હવે ડબલ એન્જિન સરકારમાં મેટ્રો પ્રોજેક્ટે નવી ગતિ પકડી છે અને   મુંબઈ બહુ ઝડપભેર ૩૦૦ કિમી મેટ્રો નેટવર્કની દિશામાં આગળ વધી રહ્યું છે. 

તેમણે કહ્યું હતું કે આજના રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવો વિકાસ પામી રહ્યાં છે. ભારતનાં સૌથી જૂનાં રેલવે સ્ટેશનોમાંનું એક સીએસએમટી પણ આ પહેલના ભાગ રૃપે ૨૧મી સદીના ભારતનું ઝળકદાર ઉદાહરણ સાબિત થવા જઈ રહ્યું છે.  આ રિડેવલપમેન્ટનો મુખ્ય હેતુ લોકોને બહેત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે કહ્યું હતું કે આજે રેલવે સ્ટેશનો માત્ર રેલવે સેવાઓ જ નહીં પરંતું મલ્ટીમોડલ પરિવહનના કેન્દ્ર સ્થાન તરીકે ગરજ સારે છે. બસ, મેટ્રો, ટેક્સી, ઓટો એમ પરિવહનના તમામ સાધનોનું અહીં સાયુજ્ય સધાશે. આવી મલ્ટીમોડલ કનેક્ટિવિટી દેશના દરેક શહેરમાં વિકસિત કરવામાં આવશે. 

વડાપ્રધાને કહ્યું હતું કે મુંબઈ શહેર મેટ્રોનાં વિસ્તરણ ,લોકલનાં ટેકનોલોજીકલ વિકાસ ઉપરાંત વંદે ભારત તથા બુલેટ ટ્રેન જેવી સેવાઓ સાથે વધુ ઝડપી કનેક્ટિવિટી સાધશે. હવે મુંબઈથી આસપાસના જિલ્લાઓમાં પણ પ્રવાસ સરળ બનશે. તેમણે આ સંદર્ભમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટ, નવી મુંબઈ એરપોર્ટ, હાર્બર લિંક પ્રોજેક્ટનું પણ ઉદાહરણ આપ્યું હતું. તેમણે ધારાવી  રિડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટને ફરી પાટે ચઢાવવા બદલ રાજ્ય સરકારને અભિનંદન  પાઠવ્યાં હતાં 

વડાપ્રધાને સાથે સાથે જણાવ્યું હતું કે આવનારાં ભવિષ્યના શહેરોમાં પ્રદૂષણ તથા સ્વચ્છતાના પ્રશ્નોને પણ નાથવા પડશે. આ માટે બાયોફ્યુઅલ આધારિત પરિવહન, હાઈડ્રોજન ફ્યુઅલ પર ફોક્સ, વેસ્ટ ટુ વેલ્થ મુવમેન્ટ , વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નદીઓનું શુદ્ધિકરણ વગેરે જેવાં પગલાં લેવાઈ રહ્યાં છે. 

વડાપ્રધાને યુવાનો, કામગારો સાથે મેટ્રોની સફર કરી 

વડાપ્રધાન બીકેસીમાં સભાને સંબોધન કર્યા બાદ  નવી શરુ કરાયેલી મેટ્રો લાઈનમાં સફર માટે પહોંચ્યા હતા. તેમણે મેટ્રો ૭ના ગુંદાવલી તથા મોગરા સ્ટેશન વચ્ચે સફર કરી હતી. આ દરમિયાન તેમણે યુવાનો, મહિલાઓ તથા મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરનારા કામદારો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા મેટ્રો પ્રોજેક્ટના પદાધિકારીઓ સહિત અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મેટ્રો ટુએ તથા મેટ્રો સાત બંને આવતીકાલથી સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ થશે.



Google NewsGoogle News