પુણેના પબ દ્વારા ન્યૂ યર ઈન્વાઈટ સાથે કોન્ડોમ મોકલાતાં વિવાદ
પોતાના રેગ્યુલર ગ્રાહકોને કોન્ડોમ અને ઓઆરએસ મોકલ્યાં
સાંસ્કૃતિક નગરીમાં આ ચેષ્ટાથી રોષ, પોલીસ ફરિયાદ કરાઈઃ સેફ્ટી અને સેલિબ્રેશન થીમ હોવાનો પબનો બચાવ
મુંબઇ : પુણેના એક લોકપ્રિય રેસ્ટોરન્ટ- પબે મોકલેલા નૂતન વર્ષ ઉજવણી પાર્ટી'ના આમંત્રણ સાથે કંડોમ્સ અને ઓઆરએસ પેકેટસ (ડિહાઇડ્રેશન દૂર કરાવવા માટેનું પ્રવાહી) વહેંચીને મોટો વિવાદ ઉભો કર્યો છે. શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતા શહેરમાં પબ દ્વારા આવું કૃત્ય કરાતા કેટલાક સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પુણેના મુંઢવા સ્થિત પબએ પોતાના નિયમિત ગ્રાહકોને ઉજવણીના આમંત્રણ સાથે કન્ડોમ્સ અને ઓઆરએસ (ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન)ના પેકેટસ મોકલ્યા હતા તેવું કહેવામાં આવે છે.
મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસના એક નેતાએ પુણે પોલીસ કમિશ્નરને ફરિયાદ મોકલી કહ્યું છે કે શહેરના શૈક્ષણિક અને સાહસિક મૂલ્યોને ધ્યાનમાં રાખીએ તો પબનું આ કૃત્ય યોગ્ય નથી. યુવાનો માટે ખોટુ ઉદાહરણ રજૂ થઇ રહ્યું છે તેવું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. પબ સામે કડક પગલાં ભરવાની વિનંતી કરવામાં આવી છે. પબે પોતાના પ્રતિભાવમાં એવો જવાબ આપ્યો કે ૨૦૨૫ માટેની તેમની થીમ ''સેફ્ટી એન્ડ સેલિબ્રેશન' (સુરક્ષા અને ઉજવણી) છે અને આમંત્રિત કરાયેલા મહેમાનોને મોકલેલી ગિફ્ટ બેગ્સમાં પાર્ટી માટે જરૃરી આઇટમ્સ જેમ કે નોઇઝ મેકર્સ (અવાજ ઉત્પન્ન કરનાર) કન્ફેટ્ટી બોમ્બ જરૃર પડે તો ઘરે મૂકી આવે તેવા નિયુક્ત કરેલા ડ્રાઇવરનો ફોન નંબર વિગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પુણે પોલીસે મામલામાં તપાસની શરૃઆત કરી છે અને ગિફ્ટ બેગ્સ મેળવનાર લોકોના નિવેદન નોંધી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે કન્ડોમ્સ વહેંચવાથી કોઇ કાયદાનો ભંગ થતો નથી. સુરક્ષિત અને જવાબદારીપૂર્વકની વર્તણુકને પ્રોત્સાહન આપવા માટે ગિફ્ટ બેગ્સમાં કન્ડોમ્સનો સમાવેશ કર વામાં આવ્ યો હતો અને કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના વિભાગ એઇડસ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશ (એનએસીઓ)ના લક્ષ્યો અનુસાર પગલું ભરાયું છે.