મને જેલમાં મોકલવા માટે અધિકારીઓને અપાયો હતો કોન્ટ્રાક્ટ: દેવેન્દ્ર ફડણવીસે MVA પર લગાવ્યા ગંભીર આરોપ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
મને જેલમાં મોકલવા માટે અધિકારીઓને અપાયો હતો કોન્ટ્રાક્ટ: દેવેન્દ્ર ફડણવીસે MVA પર લગાવ્યા ગંભીર આરોપ 1 - image


Image Source: Twitter

Devendra Fadnavis On MVA: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની છેલ્લી મહાવિકાસ આઘાડી ગઠબંધન સરકાર (MVA) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, MVAની સત્તા દરમિયાન મને અને ભાજપના બીજા નેતાઓને ફસાવવા અને જેલમાં મોકલવા માટે અધિકારીઓને કોન્ટ્રાક્ટ અપાયો હતો. મહાવિકાસ અઘાડી સરકાર દરમિયાન ખોટા કેસ બનાવીને મારી ધરપકડ કરવાનું કાવતરું ઘડાયું હતું. પરંતુ અમારું સદભાગ્ય કે, અમે તે સમયે તેમનો પર્દાફાશ કરવામાં સફળ રહ્યા હતા. અમે આ અંગેના વીડિયો પુરાવા પણ CBIને સોંપ્યા છે. આજે પણ અમારી પાસે તેના ઘણા વીડિયો પુરાવા છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'MVA શાસન દરમિયાન કેટલાક અધિકારીઓને મને, ગિરીશ મહાજન અને પ્રવીણ દરેકર જેવા નેતાઓને જેલ ભેગા કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કેટલાક અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટ લઈ પણ લીધો હતો પરંતુ તેઓ આવું ન કરી શક્યા. કારણ કે તે સમયે ઘણા અધિકારીઓએ આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. ડેપ્યુટી સીએમએ મુંબઈના પૂર્વ ટોચના પોલીસ અધિકારી પરમબીર સિંહના આરોપો અંગેના સવાલનો જવાબ આપતાં આ વાત કહી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે મારા પર ભાજપના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવા દબાણ કર્યું હતું.

ખોટા કેસમાં ધરપકડ કરવાનું કાવતરું

ડેપ્યુટી સીએમએ કહ્યું કે, મારા અને અન્ય ભાજપના નેતાઓની ધરપકડ કરવાના પ્રયાસો પર પરમબીર સિંહે જે કહ્યું તે સંપૂર્ણ સત્ય છે. તેમણે માત્ર એક જ ઘટનાની વાત કરી છે. પરંતુ આવી 4 ઘટનાઓ છે જેમાં મને ખોટા કેસમાં પકડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે થોડા દિવસો પહેલા જ દાવો કર્યો હતો કે, ફડણવીસે પરમબીર સિંહને ધરપકડથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ એમવીએ સરકારને તોડી પાડવા માટે સિંહને તેમના વિરુદ્ધ આરોપ લગાવવા માટે કહ્યું હતું. 

ફડણવીસને બદનામ કરવાની વ્યૂહનીતિ

ભાજપે આરોપોને ફગાવી દેતા કહ્યું કે, આ ફડણવીસને બદનામ કરવાની વ્યૂહનીતિ હતી. ભાજપે એ સવાલ પણ ઉઠાવ્યો કે, એક નેતા જે તે સમયે વિપક્ષમાં હતો તે પોલીસ અધિકારીને આવું કઈ રીતે કહી શકે? ફડણવીસ અને સિંહ બંનેએ વરિષ્ઠ નેતા શરદચંદ્ર પવાર દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને અલગ-અલગ નકારી કાઢ્યા હતા. જ્યારે દેશમુખના દાવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ફડણવીસે વધુ સ્પષ્ટતા કર્યા વિના કહ્યું, 'જૂઠ બોલે કૌવા કાટે... કાલે કૌવે સે ડરિયો'. સિંહે આરોપ લગાવ્યો કે દેશમુખે ગૃહમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાનપોલીસ અધિકારીઓને બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું. આ આરોપને ધ્યાનમાં રાખીને દેશમુખે 2021માં ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


Google NewsGoogle News