Get The App

ફલાઈટ્સને બોમ્બની ધમકીઓ વધતાં કન્ટીજન્સી પ્લાન તૈયાર કરાયો

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
ફલાઈટ્સને બોમ્બની ધમકીઓ વધતાં  કન્ટીજન્સી પ્લાન તૈયાર કરાયો 1 - image


ખરી ધમકી અને બોગસ મેસેજીસ વચ્ચેનો ભેદ પારખાશે

ધમકી મળતાં જ તરત ફલાઈટનો રિવ્યૂ કરાશે, એરલાઈન્સ તથા એરપોર્ટસને સંકલન સાધવા જણાવાશે 

મુંબઈ :  ભારતીય એરલાઈન્સ અને એરપોર્ટને પ્રભાવિત કરતી બોમ્બની બોગસ ધમકીઓમાં થયેલા વધારાના પ્રતિસાદમાં બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સેક્યુરિટી(બીસીએએસ)એ સુધારેલો બોમ્બ થ્રેટ કોન્ટીન્જન્સી પ્લાન (બીટીસીપી) રજૂ કર્યો છે. આ સુધારેલા પ્લાનમાં તમામ મુખ્ય એરપોર્ટમાં ઓનલાઈન ધમકીઓનો ઝડપી પ્રતિસાદ આપવા અને તેનું આંકલન કરવા ડિજિટલ ઉપકરણો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ માળખું સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વધી રહેલી ધમકીઓનું આકલન કરી  ખરી ધમકીઓ અને બોગસ ધમકીઓ વચ્ચેનો ભેદ પારખશે.

ધમકી મળતા જ બીટીસીપી તાત્કાલિક ફ્લાઈટની વિગતો રિવ્યુ કરશે અને રાજકરણીઓ, રાજદ્વારીઓ તેમજ હાઈ-પ્રોફાઈલ જેવા વીઆઈપી અને વીવીઆઈપી પ્રવાસીઓ માટેની સુરક્ષાની ખાતરી કરશે. નવા પ્લાનમાં એરલાઈન્સ અને એરપોર્ટ સંચાલકો માટે ધમકીનું આંકલન કરતા પગલા લેવાનું અને કાનૂની એજન્સીઓ સાથે સહયોગ મજબૂત કરવાનું ફરજિયાત કરાયું છે.

પ્રોટોકોલમાં ધમકીઓને વિશિષ્ટ અને બિન-વિશિષ્ટ તરીકે વર્ગીકૃત કરવા સઘન પ્રક્રિયા અપનાવવા પર ભાર મુકાયો છે જેમાં અધિકારીઓએ તેના મૂળ, તેના કન્ટેન્ટ અને ખાસ કરીને અજાણ્યા ઓનલાઈન સ્રોતથી મળતી ધમકીની વિશ્વસનીયતાનું વિશ્લેષણ કરવું પડશે.

બીટીસીપી હેઠળ ધમકીના વિશ્લેષણની પ્રક્રિયામાં ધમકીનો સ્રોત, ધમકી આપનારની સંભવિત ક્ષમતા અને તેના હેતુનું આંકલન કરવા સહિત બહુવિધ સ્તર સામેલ છે. ધમકી આપનારની આર્થિક ક્ષમતા, તેના પાસે ઉપલબ્ધ શસ્ત્રો, સમય અને મહત્વના અવસરો સાથેનો સંબંધ પણ ધ્યાનમાં લેવાનો રહેશે જેથી સુરક્ષા ટીમો ધમકીની તાકીદતા અને અવકાશનું આંકલન કરી શકે. ચોક્કસ સુરક્ષા પ્રતિસાદ આપવા ભૌગોલિક તણાવ અને ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિ જેવા સંદર્ભીય પરિબળોનું પણ  આંકલન કરાશે.

પ્લાનમાં બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (બીટીએસી) માટે વર્ચ્યુઅલ મીટિંગ પ્રોટોકોલ પણ નક્કી કરાયો છે જેમાં સુરક્ષિત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા જોખમ વિશે ચર્ચા કરી શકાશે. આ વચગાળાના પગલાથી સભ્યો ચીફ એરપોર્ટ ઓફિસર (સીએએસઓ) સાથે પ્રતિસાદની તાત્કાલિક જાણકારી અને સહયોગ મેળવી શકશે.

આવા પદ્ધતિસરના અભિગમથી પ્રવાસીઓ તેમજ એરપોર્ટની સુરક્ષા સુનિશ્ચિત કરવા વધતી ધમકીઓ સામે ઝડપી અને સુનિયોજિત કાર્યવાહી કરી શકાશે.



Google NewsGoogle News