ફટાકડા ફોડતા આગની ઘટના વખતે 101 અને 1916 હેલ્પલાઈન નંબરનો સંપર્ક સાધવો
ફાયર બ્રિગેડની મુંબઈગરાને અપીલ
ગત વર્ષે આગના 79 બનાવોને પગલે આ વર્ષે ફાયર બ્રિગેડનું 163 ઠેકાણે જાગરૃકતા અભિયાન
મુંબઈ : દિવાળીની ઉજવણીમાં ફટાકડા ફોડતી વખતે આગ કે તત્સમ ઘટનાઓ બને તો હેલ્પલાઈન નંબર ૧૦૧ કે ૧૯૧૬ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ફાયર બ્રિગેડ તરફથી કરવામાં આવી છે.
રાત્રે ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી સાથે પાલિકાએ ફટાકડા ફોડતી વખતે તકેદારીની વિવિધ સૂચનાઓ બહાર પાડયા બાદ ફાયર બ્રિગેડે પણ લોકોને પાલિકાની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ફટાકડા ફોડતી વખતે નજીકમાં જ પાણી ભરેલી બાલદી રાખવી અને ફટાકડાથી દાઝી જવાય તો તરત ઘા ઉપર સ્વચ્છ પાણી રેડવું તેવું પાલિકાએ સૂચનામાં કહ્યું છે. ઉપરાંત ઈમારતની અંતર કે દાદરા પર ફટાકડા ન ફોડવા, ફાટકડા પેટાવવા લાયટરનો ઉપયોગ કરવો, ઝીડ, ઓવરહેડ વીજળીનો તાર કે ઊંચી ઈમારતો નજીક દવામાં ઉડતા ફટાકડા ન ફોડવા, બારીના પડદા નજીક દિવા મૂકવા નહીં, પાર્કિંગ-ગેસ લાઈન વગેરેની નજીક ફટાકડા ન ફોડવાની સૂચના પાલિકાએ આપી છે.
ગત વર્ષે દિવાળીમાં આગની ૭૯ ઘટનાઓ બની હતી. જેના આધારે ફાયર બ્રિગેડે દિવાળીના પ્રથમ જ દિવસથી જાગરૃકતા અભિયાન હાથ ધર્યું છે. ઈમારતો, સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓ તથા ગીચ વિસ્તારોમાં ફાયર બ્રિગેડના જવાનો જઈ સુરક્ષા બાબતે લોકોને માહિતી આપી રહ્યા છે. તેવું ફાયર બ્રિગેડ તરફથી જણાવ્યું હતું. વિગત વર્ષે લક્ષ્મીપૂજાના દિવસે સહુથી વધુ ૨૭ આગ લાગવાના બનાવો નોંધાયા હતા. આ વર્ષે ફાયર બ્રિગેડ ૧૬૫થી વધુ ઠેકાણે જાગરૃકતા અભિયાનો શરૃ કર્યા છે.