થાણેમાં કાસરવડવલીની ગાયમુખ મેટ્રો-4એ લાઇનનું બાંધકામ વેગમાં
- ગૌનિવાડા સ્ટેશનનું બાંધકામ શરૂ થયું
મુંબઇ: એમએમઆરડીએએ મેટ્રો-4એ કોરિડોરના બાંધકામને વેગ આપતા તેના સ્ટેશનનું કામ પણ શરૂ કરી દીધું છે. આ સ્ટેશન ગૌનિવાડા મેટ્રો સ્ટેશન છે.
મેટ્રો-4એ મુંબઇ અને થાણેને જોડતી મેટ્રો લાઇન છે. આ મહત્વની મેટ્રો લાઇનનું 43 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. વડાલાથી કાસારવડવલી વચ્ચે મેટ્રો-4 અને કાસરવડવલીથી ગાયમુખ સુધી મેટ્રો-૪એ લાઇન બંધાઇ રહી છે. મેટ્રો-4નું તીનહાથ નાકા સ્ટેશન 70 ટકા બની ગયું છે. હવે મેટ્રો-૪એનું ગૌનિવાડા સ્ટેશન બાંધવાની પ્રક્રિયા શરૂ થઇ છે.
વર્ષ 2018થી મેટ્રો-4અને વર્ષ 2019માં મેટ્રો-૪એનું કામ ચાલુ થયું હતું. આ બંને લાઇન વર્ષ 2022માં બંધાઇને તૈયાર થવાની હતી. પરંતુ કોન્ટ્રેક્ટરે કામમાં વિલંબ કરવાથી હવે આ આખો પ્રોજેક્ટ વર્ષ 2024માં પૂર્ણ થશે. પ્રોજેક્ટની ગતિ વધારવા માટે મુખ્ય કોન્ટ્રેક્ટરનું કામ સબ કોન્ટ્રેક્ટરને સોંપવામાં આવ્યું છે.
બીજી બાજુ મેટ્રો-4 માટે કારશેડનું બાંધકામ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થશે. એમએમઆરડીએએ તેના માટે ટેન્ડર બહાર પાડયું છે. આ કારશેડના બાંધકામમાં 711કરોડ રૂપિયા ખર્ચ થશે.