મુંબઇ અને થાણેમાં બટેટાના સતત વધતા ભાવ : 50 રૃપિયે કિલો

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
મુંબઇ અને થાણેમાં બટેટાના સતત વધતા ભાવ : 50 રૃપિયે કિલો 1 - image


મુંબઈગરાઓને માનીતા વડાપાઉં મોંઘાં થશે

મુંબઇ :  મુંબઇ અને થાણેમાં ટમેટા અને કાંદાને પગલે બટેટાના ભાવ ઉંચે ચડવા માંડયા છે. થોડા દિવસ પહેલાં ૨૫-૩૦ રૃપિયે કિલો વેંચાતા બટેટાનો ભાવ ૪૦ થી ૫૦ રૃપિયા થઇ ગયો છે. હોલસેલ માર્કેટોમાં માલની આવક ઘટતા ભાવ ઉંચકાયા છે.

છેલ્લાં બે વર્ષ બટેટાનો ભાવ ન મળતા ખેડૂતોએ 

ઓછા બટેટા ઉગાડયા છે ઃ માર્કેટોમાં આવક ઘટી

છેલ્લા બે વર્ષથી બટેટાના ભાવ મળતા ન હોવાથી આ વખતે ખેડૂતોએ બટેટાનો ઓછો પાક લીધો હોવાથી માર્કેટોમાં બટેટાની આવક ઘટી છે. મુંબઇની અને થાણેની હોલસેલ બજારોમાં મહારાષ્ટ્રના પુણે, સાતારા, નાશિકથી તેમજ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતથી બટેટાની આવક થાય છે.

બટેટાના ભાવ હજી વધશે એવી શક્યતા જોતા પોટેટો વેફર્સ, વડા, ભજિયા, સૂકીભાજી તેમજ બટેટામાંથી તૈયાર થતા ખાદ્યાપદાર્થો પણ મોંઘા થશે એવું અનુમાન છે.

થોડા દિવસ પહેલાં હોલસેલ માર્કેટમાં બટેટાનો ભાવ ૧૭ થી ૨૨ રૃપિયે કિલો અને રિટેલમાં ૨૫ થી ૩૦ રૃપિયે વેંચાતા હતા. અત્યારે હોલસેલમાં ૨૮ થી ૩૪ રૃપિયા અને રિટેલમાં ૪૦ થી ૫૦ રૃપિયા કિંમત છે.

મહારાષ્ટ્રમાં ઉગતા  જ્યોતિ, એસ-૧, ૧૫૩૩ એસ, એસ-૩, એટલોટા જાતીના બટેટામાંથી મોટે ભાગે વેફર્સ બને છે. આ વખતે રાજ્યના બટેટા ઉત્પાદક વિસ્તારોમાંથી બટેટાની આવક ખૂબ ઘટી છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા બટેટામાંથી અન્ય ખાદ્યપદાર્થ તૈયાર કરવામાં આવે છે.

વટાણા ૨૪૦ રૃપિયે અને ટમેટા ૧૨૦ રૃપિયે કિલો

નવી મુંબઇની જથ્થાબંધ ભાજીપાલા માર્કેટમાં શાકભાજીની રોજિંદી ૫૦ હજાર ટનની માંગની સામે આવકમાં અડધોઅડધ ઘટાડો થયો છે. સામાન્ય રીતે શાકની લગભગ ૯૦૦ થી ૧૦૦૦ ટ્રકો માર્કેટમાં આવતી તેને બદલે અત્યારે ૪૫૦ થી ૫૦૦  ટ્રક જ  આવે છે. ભીષણ ગરમી તેમ જ વચ્ચે વચ્ચે કમોસમી વરસાદને કારણે શાકભાજીને નુકસાન થવાથી આવક ઘટી છે.

રિટેલ માર્કેટમાં અત્યારે વટાણા ૨૪૦ રૃપિયે કિલો અને ટમેટા ૧૦૦ થી ૧૨૦ રૃપિયે કિલો વેંચાય છે. આજે કોઇ પણ શાક ૩૦ રૃપિયે પા કિલોથી ઓછા ભાવે નથી વેંચાતું રિટેલના ભાવ પર કોઇ કન્ટ્રોલ ન હોવાથી  શાકવાળા મનફાવે એટલા ભાવ પડાવે છે. એટલે હવે શાકભાજી ઉપર ભાવ-નિયંત્રણ લાગુ કરવાની મધ્યમ વર્ગના લોકોએ માગણી કરી છે.



Google NewsGoogle News