Get The App

કોન્સ્ટેબલની પત્ની તથા પ્રેમીએ મળીને હત્યા કરી, યુપીઆઈ પેમેન્ટના આધારે પકડાયાં

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
કોન્સ્ટેબલની પત્ની તથા પ્રેમીએ મળીને હત્યા કરી, યુપીઆઈ પેમેન્ટના આધારે પકડાયાં 1 - image


અકસ્માતમાં ખપાવવા લાશને નવી મુંબઈમાં ટ્રેન સામે ધકેલી દીધી હતી

મોટરમેન બે લોકોને  લાશને ધકેલતાં જોઈ ગયો હતોઃ મૃતક કોન્સ્ટેબલે કરેલાં છેલ્લા ંયુપીઆઈ પેમેન્ટના આધારે આરોપીઓનું પગેરું મળ્યું

મુંબઇ  - નવી મુંબઈમાં રેલવે પોલીસના કોન્સ્ટેબલને બે શખ્સો દ્વારા ધસમસતી ટ્રેન સામે ફેંકીને મોતને ઘાટ ઉતારવાના  કેસમાં આ કોન્સ્ટેબલની પત્નીએ જ તેના પ્રેમી અને અન્ય સાગરિતોની મદદથી કોન્સ્ટેબલની હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો છે. આરોપીઓએ કોન્સ્ટેબલનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાદમાં તે અકસ્માતે માર્યો ગયો હોવાનું નાટક રચવા માટે તેના દેહને ટ્રેક પર લઈ ગયા હતા અને તેને ટ્રેન સામે ધકેલી દીધો હતો. જોકે, રેલવેના મોટરમેને બે શખ્શો આ કોન્સ્ટેબલને ટ્રેક પર ધકેલી  રહ્યા હોવાનું જોઈ લીધું હતું. વધુમાં મૃતક કોન્સ્ટેબલે આરોપીઓ સાથે હતા તે દરમિયાન જ છેલ્લે કરેલાં યુપીઆઈ પેમેન્ટથી તેનાં લાસ્ટ લોકેશન અને તેના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ભાળ મેળવવાનું આસાન બની ગયું હતું. 

પનવેલ રેલવે પોલીસમાં ફરજ બજાવતા  ૪૨ વર્ષીય કોન્સ્ટેબલ વિજય ચવ્હાણની હત્યા સંદભામાં પોલીસે તેની પત્ની પૂજા ઉપરાંત  તેની સાથે  અનૈતિક સંબંધો ધરાવતા મુખ્ય આરોપી ભૂષણ નિમ્બા બ્રાહ્મણે (૨૯) તથા  તેના મિત્રો પ્રકાશ ઉર્ફે ધીરજ ગુલાબ ચવ્હાણ (૨૩) અને પ્રવિણ આબા પાન પાટીલ (૨૧)ની પણ ધરપકડ કરી છે.

આ સંદર્ભે જીઆરપીના ડેપ્યુટી કમિશનર મનોજ પાટીલે માધ્યમોને જણાવ્યું હતું કે અમારી તપાસમાં અમને એવું જાણવા મળ્યું હતું કે ૩૧ ડિસેમ્બરની રાત્રે પ્રકાશ ચવ્હાણે તેમની યોજના મુજબ વિજય ચવ્હાણને દારૃ પીવડાવ્યો હતો. ત્યાર બાદ બ્રાહ્મણેએ  તેના બે સાથીદારોની મદદથી ચવ્હાણનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી.

ચવ્હાણના મૃત્યુને રેલવે અકસ્માત તરીકે દેખાડવા માટે તેમણે મૃતકના મૃતદેહને ચાલતી લોકલ ટ્રેન સામે ધકેલી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે ચવ્હાણની પત્ની પૂજાને બ્રાહ્મણે સાથે લગ્નેતર સંબંધ હતા અને તેને તેની સાથે રહેવું હોવાથી તે  આડખીલી બની ગયેલા પતિને દૂર કરવા માગતી હતી.

ડીસીપી મનોજ ચવ્હાણે આગળ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બરના પ્રકાશે ચવ્હાણને નવા વર્ષની પાર્ટી ગોઠવવા ફોન કર્યો હતો. તે પછી સાંજે મૃતક અને આરોપીઓ એક કારમાં સાથે ગયા હતા અને દરમિયાન તેમણે રસ્તા પરના એક સ્ટોલ પરથી અમૂક ખાદ્ય પદાર્થ ખરીદ્યો હતો અને મૃતક કોન્સ્ટેબલે  ચવ્હાણે તેનું રૃા.૨૪/-નું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું.

આ ઓનલાઈન પેમેન્ટ જ પોલીસને વિજય ચવ્હાણના હત્યારાઓ સુધી દોરી ગયું હતું. પોલીસે  આ છેલ્લા ઓનલાઇન  પેમેન્ટની વિગત મેળવીઆ સ્ટોલ અને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ શોધી કાઢ્યા હતા જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા  અનુસાર કારમાં ચવ્હાણની હત્યા કર્યા બાદ આરોપીઓ ટ્રાન્સહાર્બર રૃટ પર રબાલે અને  ઘણસોલી સ્ટેશન  વચ્ચે ટ્રેક નજીક ઝાડી પાસે તેનો મૃતદેહ લઇ ગયા હતા. વહેલી સવારે પહેલી લોકલ ટ્રેન આવી ત્યાં સુધી ચાર કલાક આરોપીઓ  ઝાડીઓમાં છૂપાઇ રહ્યા હતા. જેમ ટ્રેન નજીક આવી કે તેઓએ ચવ્હાણના મૃતદેહને પાટા પર ધકેલી દીધો હતો અને ટ્રેન અકસ્માતમાં ચવ્હાણનું મૃત્યુ થયું હોવાની યોજના બનાવી હતી. 

જોકે ટ્રેનના મોટરમેને  આ શખ્સને વાસ્તવમાં બે લોકોએ ટ્રેક પર ફેંક્યો હોવાનું નજર સમક્ષ જોયું  હતું. તેણે  સતર્કતા દાખવી આ સમગ્ર ઘટનાની જાણ રેલવે કંટ્રોલને કરી ટ્રેન રોકી દીધી હતી અને જીઆરપીને ઘટનાની માહિતી આપી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી ચારેય આરોપીઓને પકડી પાડયા હતા. હાલ આ આરોપી પોલીસ કસ્ટડીમાં હોવાનું ડીસીપી પાટીલે જણાવ્યુ ંહતું.


Google NewsGoogle News