મીરા રોડમાં કોન્સ્ટેબલ 15 લાખની લાંચ લેતા ઝડપાયોઃ ઈન્સ્પેક્ટર ફરાર
લાંચનો પહેલો હપ્તો લેતાં રંગે હાથ ઝડપાયો
છેતરપિડીના ગુનામાં ધરપકડ ન કરવા રૃ.50 લાખની લાંચ માગી હતી
મુંબઈ : મીરારોડમાં રૃ.૧૫ લાખની લાંચ લેતા એક પોલીસ કોન્સ્ટેબલને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના અધિકારીઓએ રંગે હાથ ઝડપી લીધો હતો.
જ્યારે આ મામલામાં એક પોલીસ ઈન્સ્પેક્ટર ફરાર છે. છેતરપિંડીના કેસમાં ધરપકડ ન કરવા અને જામીન મેળવવા મદદ કરવા રૃ.૫૦ લાખની લાંચ માગવામાં આવી હતી.
એસીબી (થાણે યુનિટ)ના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુનીલ લોખંડેએ જણાવ્યું હતું કે 'ફરિયાદી સામે આર્થિક ગુના શાખા દ્વારા છેતરપિંડીના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર શેલાર અને ભાઈંદર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગણેશ વણવેએ આ કેસમાં તેની ધરપકડ ન કરવા અને જામીન મેળવી આપવા રૃ.૫૦ લાખની લાંચ માગી હતી. પછી બંનેએ લાંચની રકમ ઘટાડીને રૃ.૩૫ લાખ કરી દીધી હતી. એમાંથી રૃ.૧૫ લાખનો પહેલો હપ્તો આપવાનો હતો. પણ ફરિયાદી લાંચ આપવા માગતો નહોતા. આથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોને આ બાબતની જાણ કરી હતી.
છેવટે એસીબીની ટીમે છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલ ગણેશ વણવેને ફરિયાદી પાસેથી રૃ.૧૫ લાખની લાંચ લેતા પકડી લીધો હતો.
મીરારોડના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી ફરાર ઈન્સ્પેક્ટર મહેન્દ્ર શેલારને પકડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.