ડ્રગ્સ પ્લાન્ટ કરી ખોટા કેસમાં એકને ફસાવવાનું કાવતરુ : ચાર પોલીસ સસ્પેન્ડ
કાલીનામાં પ્લોટનો વિવાદ
સીસીટીવી કેમેરામાં પોલીસની કરતૂત કેદ થઈ ગઈ
મુંબઈ: ખાર પોલીસ સ્ટેશનની એન્ટી ટેરર સેલની ટીમે ડ્રગ્સ પ્લાન્ટ કરી એક વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરુ ઘડતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પોલીસના કરતૂતની જાણ થઈ હતી. આ મામલામાં શનિવારે ચાર પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઝોન- ૧૧ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજતિલક રોશને જણાવ્યું હતું કે 'એક પોલીસ સબ- ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખાર પોલીસ સ્ટેશનના એન્ટી- ટેરર સેલ સાથે જોડાયેલા પોલીસકર્મીઓએ શુક્રવારે સાંજે સાંતાક્રુઝ નજીક કાલીના વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટ પર દરોડો પાડયો હતો.
ડેનિયલ નામના વ્યક્તિની અટકાયત કરવામા ંઆવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કથિત રીતે એક પોલીસકર્મી શંકાસ્પદ ડેનિયલના ખિસ્સામાં કંઈક રાખતો નજરે પડે છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ડેનિયલે દાવો કર્યો હતો કે 'પોલીસ કર્મીઓએ તેને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. પરંતુ ડેનિયલને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાનું કાવતરુ સીસીટીવીમાં કેદ થઈ ગયું હોવાની જાણ થતા તેને છોડી દેવામાં આવ્યો હતો.
ડીસીપી રોશને જણાવ્યું હતું કે 'વીડિયોમાં ચાર પોલીસકર્મીની શંકાસ્પદ કાર્યવાહી જોવા મળી હતી. તેમને સસ્પેન્ડ કરાયા છે. તેમની પૂછપરછ કરવાની બાકી છે.
ડેનિયલે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે આરોપ લગાવ્યો હતો કે 'જ્યાં ઘટના બની હતી તે પ્લોટના વિવાદને લઈને બિલ્ડરના કહેવા પર તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.'