Get The App

ગુજરાતની ટ્રેનો બોરિવલી સ્ટેશને આવે ત્યારે જ એસ્કેલેટર થાય છે બંધ, કાવતરું હોવાનો આરોપ

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
ગુજરાતની ટ્રેનો બોરિવલી સ્ટેશને આવે ત્યારે જ એસ્કેલેટર થાય છે બંધ, કાવતરું હોવાનો આરોપ 1 - image


Mumbai News: પ્રવાસીઓની સુવિધા માટે દરેક રેલવે સ્ટેશન પર લાખો રૂપિયા ખર્ચીને એસ્કેલેટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જો કે, અનેક વખત આ એસ્કેલેટર બંધ પડતાં હોવાથી પ્રવાસીઓને ચડવા-ઉતરવા અનેક મુશ્કેલીઓે થતી હોય છે. જો કે બોરિવલી રેલવે સ્ટેશન પર તો કંઈ વિચિત્ર રીતે જ એસ્કેલેટર વારંવાર બંધ પડી જતું હોય છે. એસ્કેલેટર બંધ હોવાનો સીધો ફાયદો ત્યાં આંટા મારતાં કુલીઓને થતો હોવાથી તેઓ પરિસ્થિતીનો ફાયદો લઈને બમણા પૈસા પણ અનેક વખત વસુલતાં જોવા મળ્યાં હોવાનો આરોપ પણ કરાયો છે. સાથે જ આએક સુવ્યવસ્થિત કાવતરું હોવાનો પણ મુસાફરોનો આરોપો છે. આ સમસ્યાનો ઉકેલ આવી રહયો ન હોવાથી અસોસિએશન દ્વારા પીએમઓ સુધી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 

જાણી જોઈને એસ્કેલેટર બંધ કરી દેવામાં આવે છે?

એસ્કેલેટરના કારણે વયોવૃદ્વ, બાળકો અને સગર્ભા મહિલાઓને વધુ સરળતા રહે છે.  તેમ જ બહાર ગામથી આવતી-જતી વખતે પણ સામાન લઈને પ્રવાસ કરવો સહેલો બને છે. બોરિવલી સ્ટેશનના પ્લેટફોર્મ પર બહાર ગામની અનેક એક્સપ્રેસ ટ્રેનો આવતી હોય છે. બહારની ટ્રેનો આવે કે જાય ત્યારે અહીંનું એસ્કેલેટર બંધ કરી દેવામાં આવે છે. રેલવે પ્રશાસન દ્વારા તેને સતત રિપેરીંગ કરવા છતાં તે વારંવાર બંધ કરી દેવામાં આવતું હોવાનો રેલવે અસોસિએશન દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. 

સૌરાષ્ટ્ર પેસેન્જર અસોસિએશનની ફરિયાદ

આ વિશે માહિતી આપતાં સૌરાષ્ટ્ર પેસેન્જર અસોસિએશનના સેક્રેટરી નિતીન વોરાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'બોરિવલી સ્ટેશન પર ગુજરાત સહિત અનેક રાજ્યોથી આવતી ટ્રેનો હોલ્ટ કરતી હોય છે. એથી અહીં સામાન સાથે આવતાં જતાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. પ્લેટફોર્મ પર બહાર ગામની ટ્રેન આવવાની હોય ત્યારે થોડો સમય એસ્કેલેટરને બંધ કરવામાં આવે છે. 

કુલીઓને ઘી કેળાં કરાવવા માટે રેકેટ

નિતીનભાઈનું કહેવું છે કે, 'ટ્રેનો આવતી હોય ત્યારે ત્યાં મોટી સંખ્યામાં કુલીઓ આવીને ઊભા રહી જતાં હોય છે. એસ્કેલેટર બંધ હોવાનો ફાયદો લઈને પ્રવાસીઓ પાસેથી બમણી રકમ પણ વસુલવામાં આવે છે. તાજેતરમાં તેજસ એક્સપ્રેસથી આવતાં મારા જેવા 90 થી વધુ પ્રવાસીઓએ આ પરિસ્થિતીનો સામનો કર્યો છે, અને મેં પોતે આ સમસ્યા અનેક વખત ફેસ કરી છે. ટ્રેન આવતાની સાથે જ એસ્કેલેટર બંધ પડી ગયું હતું. એથી ત્યાં ઉપસ્થિત રેલવે પોલીસને જાણ કરતાં તેણે ચાલુ કરવાની કોશિશ કરી હતી. ના છુટકે પ્રવાસીઓ માંડ દાદરા ચડીને ઉપર ગયા હતા. ત્યારે તકનો લાભ લઈ કુલી દ્વારા લોકો પાસેથી મોટી રકમ વસુલવામાં આવી હતી, જેનો અનેક લોકો ભોગ બન્યા હતા'.

વડા પ્રધાન સુધી કરાશે ફરિયાદ

'રેલવે પ્રવાસીઓને ખૂબ સમસ્યા થઈ રહી છે અને એની નોંધ લેવાતી નથી એનું દુઃખ છે' એમ કહેતાં નિતીન વોરાએ કહયું કે 'રેલવે પ્રવાસીઓનો માનસિક અને શારીરિક તેમ જ સમયનો વેડફાટ પણ થાય છે. મેં સ્ટેશન મેનેજરને પણ ફરિયાદ કરી પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. પ્રવાસીઓને થતી સમસ્યા પર ધ્યાન આપવામાં આવી રહયું નથી. એથી વડા પ્રધાન સુધી આ સમસ્યા પહોંચાડવામાં આવશે અને પિયુષ ગોયલને પણ લેખિતમાં આ રજુઆત કરવામાં આવશે. જ્યાં સુધી આ સમસ્યાનું નિવાકરણ કરવામાં આવશે નહીં અને કાવેતરું દુર કરાશે નહીં ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી'.



Google NewsGoogle News