મહારાષ્ટ્રમાં મતદાન ટાણે પ્રેશર કૂકર બોમ્બથી વિસ્ફોટોનું કાવતરું
ગઢચિરોલીમાં નક્સલોએ જમીનમાં દાટેલા 6 કૂકર બોમ્બ, વિસ્ફટકો મળી આવ્યાં
ગઢચિરોલીમાં મતદાન પૂર્ણ થયા બાદ પણ વિસ્ફોટકો સંતાડી રખાયા હતાઃ પોલીસ પર હુમલાનો ઈરાદો હતો
મુંબઇ : લોકસભાની ચૂંટણી વખતે જ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસની સામૂહિક હત્યા કરવાનું નક્સલવાદીઓનું કાવતરુ નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. સ્પેશિયલ એન્ટી નક્સલ સ્કવૉડ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, રેપિડ રિસ્પોન્સ સ્કવૉડ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડે ગઢચિરોલીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી નક્સલવાદીઓએ જમીનમાં દાટી દીધેલો વિસ્ફટકોનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ દરમિયાન છ પ્રેશર કૂકર બોમ્બ, નવ આઇઇડી, ત્રણ ક્લેમોર પાઇપ, અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. બૉમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (બીડીડીએસ)ની ટીમે વિસ્ફટોકોનો નાશ કર્યો હતો. આથી મોટા પ્રમાણમાં જાનહાની ટળી ગઇ હતી.
હાલમાં ગઢચિરોલીમાં ૧૫ હજાર પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે લોકસભાની ચૂંટણી નિર્વિઘ્નપણે પાર પાડવામાં આવી હતી. ગઢચિરોલીના નક્સલ પ્રભાવિત ટીપાગઢ પહાડી વિસ્તારમાં વિસ્ફોટકો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના લીધે બીડીડીએસ, ક્વિક એક્શન ટીમ, સીઆરપીએફના જવાનો, અને અન્ય સિક્યુરિટી એજન્સીઓ અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, એમ ગઢચિરોલીના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું હતું.
નક્સલવાદીઓએ પોલીસ પર હુમલા માટે આઇઇડી બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડયું હતું. જમીનમાં વિસ્ફોટકના ચોક્સસ જગ્યાની ખબર નહોતી આથી સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી ઉભી થઇ હતી. આ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી હતી. પોલીસને તપાસમાં વિસ્ફોટકો અને ડિટોનેટરથી ભરેલા છ પ્રેશર કૂકર, નવ આઇઇડી, ત્રણ ક્લેમોર પાઇપ, ગન પાવડર ભરેલી પ્લાસ્ટિક બેગ, કેટલીક દવાઓ, ધાબળા મળી આવ્યા હતા.
બીડીડીએસની વિસ્ફટોકોનો નાશ કરતા અનિચ્છનિય ઘટના બની નહોતી. અગાઉ નક્સલવાદીઓના હુમલામાં અનેક પોલીસ જીવ ગુમાવ્યો છે. નક્સલવાદીઓએ વારંવાર સ્થાનિક લોકોની હત્યા કરતા હોય છે. તાજેતરમાં પોલીસે લાખો રૃપિયાની ઇનામી રકમ ધરાવતા નક્સલવાદીઓને પકડયા છે.